BREAKING NEWS

ભાઈબીજ પર ભાઈ બહેનને ત્યાં જમવા જાય એ પાછળનું શું છે કારણ?

  • November 11, 2026 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવાળીના પાંચ દિવસીય પર્વનો અંત ભાઈબીજના તહેવાર સાથે થાય છે. કારતક માસના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિએ ઉજવાતો આ પર્વ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, લાગણી અને અતૂટ સંબંધનું પ્રતીક છે. રક્ષાબંધનની જેમ ભાઈબીજનું મહત્ત્વ પણ સમયની સાથે વધતું રહ્યું છે. આજના ઝડપી જીવનમાં લોકો પાસે પરિવાર અને સંબંધીઓને મળવાનો સમય ઓછો હોવા છતાં ભાઈબીજના દિવસે બહેનના ઘરે જઈને તિલક કરાવવાની પરંપરા આજે પણ અનેક પરિવારોમાં જળવાઈ રહી છે.

આ દિવસે બહેન પોતાના ભાઈના કપાળ પર કંકુ અને ચોખાનું તિલક કરીને તેની લાંબી ઉંમર, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. ભાઈ પણ બહેનને ભેટ આપીને તેના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. ઉત્તર પ્રદેશના મથુરામાં આ પર્વનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. કારતક સુદ બીજના દિવસે મોટી સંખ્યામાં ભાઈ-બહેનો યમુના નદીમાં સ્નાન કરવા માટે મથુરા પહોંચે છે. ખાસ કરીને વિશ્રામ ઘાટ પર ભાઈ-બહેનના સ્નાનની પરંપરા જોવા મળે છે.

યમરાજ અને યમુનાના પ્રેમની કથા

ભાઈબીજ સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે, જેમાં સૌથી વધુ પ્રચલિત કથા મૃત્યુના દેવતા યમરાજ અને તેમની બહેન યમુના સાથે સંબંધિત છે. ધાર્મિક માન્યતા અનુસાર, સૂર્યદેવ અને તેમની પત્ની સંજ્ઞાને બે સંતાનો હતાં. પુત્રનું નામ યમરાજ અને પુત્રીનું નામ યમુના હતું. યમરાજે જ્યારે યમપુરીની સ્થાપના કરી ત્યારે યમુના પણ તેમની સાથે રહેતાં હતાં. જોકે, યમપુરીમાં પાપીઓને મળતી સજા જોઈને યમુના દુઃખી રહેતાં હતાં. આથી તેઓ યમપુરી છોડીને ગોલોકમાં રહેવા ગયાં હતાં.

યમુના પોતાના ભાઈ યમરાજને ખૂબ પ્રેમ કરતાં હતાં અને અવારનવાર તેમને ઘરે આવવાનું આમંત્રણ આપતાં હતાં. જોકે, યમપુરીનાં કાર્યોમાં વ્યસ્ત રહેતા યમરાજ બહેનને મળવા જઈ શકતા નહોતા. એક દિવસ કારતક સુદ બીજના રોજ યમુનાએ પોતાના ભાઈને ઘરે આવવા માટે આમંત્રણ આપ્યું હતું. આ વખતે યમરાજે બહેનને આપેલું વચન નિભાવવાનું નક્કી કર્યું હતું. કહેવાય છે કે યમુનાના ઘરે જતાં પહેલાં તેમણે નરકમાં રહેલા જીવોને મુક્ત કર્યા હતા.

બહેનના આતિથ્યથી પ્રસન્ન થઈ યમરાજે આપ્યું વરદાન

યમરાજ બહેનના ઘરે પહોંચ્યા ત્યારે યમુનાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમણે ભાઈના કપાળે ચંદન અને કંકુનું તિલક કર્યું, આરતી ઉતારી અને વિવિધ પ્રકારની વાનગીઓ પીરસીને ભોજન કરાવ્યું હતું. બહેનના પ્રેમ અને આતિથ્યથી પ્રસન્ન થઈને યમરાજે તેમને વરદાન માગવા કહ્યું હતું.

ત્યારે યમુનાએ ઇચ્છા વ્યક્ત કરી હતી કે યમરાજ દર વર્ષે કારતક સુદ બીજના દિવસે તેમના ઘરે આવે, જેથી તેમને ભાઈની સેવા અને આતિથ્ય કરવાનો અવસર મળે. સાથે જ તેમણે એવું વરદાન પણ માગ્યું કે આ દિવસે જે ભાઈ પોતાની બહેનના ઘરે જઈને તિલક કરાવે અને ભોજન સ્વીકારે તેને યમરાજનો ભય ન રહે. યમરાજે બહેનની આ ઇચ્છા સ્વીકારીને 'તથાસ્તુ' કહ્યું હતું. આ માન્યતાને કારણે ભાઈબીજને યમદ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે.

ચૌપડની રમત સાથે જોડાયેલી બીજી લોકકથા

ભાઈબીજ સાથે એક બીજી લોકકથા પણ પ્રચલિત છે. કહેવાય છે કે એક રાજા પોતાના સાળા સાથે ચૌપડની રમત રમતા હતા. રમતમાં સાળાની વારંવાર જીત થતી હોવાથી રાજાને શંકા ગઈ કે તેની જીત પાછળ ભાઈબીજના દિવસે બહેન પાસે તિલક કરાવવાનું કોઈ ધાર્મિક મહત્ત્વ તો નથી ને?

આથી રાજાએ ભાઈબીજના દિવસે પોતાના સાળાને બહેનના ઘરે જતો અટકાવવા માટે કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો. જોકે, સાળો બહેનને મળવા માટે આતુર હતો. લોકકથા અનુસાર, યમરાજની કૃપાથી તેણે કૂતરાનું રૂપ ધારણ કર્યું અને બહેનના ઘરે પહોંચ્યો હતો. બહેને કૂતરાને જોઈને તેના કપાળ પર તિલક કર્યું હતું. ત્યારબાદ તે પાછો રાજા પાસે પહોંચ્યો અને ભાઈબીજનું તિલક કરાવી આવ્યાની વાત કરી હતી. આ ઘટના સાંભળીને રાજાને પણ તિલકની પરંપરાનું મહત્ત્વ સમજાયું હતું.

મથુરાના વિશ્રામ ઘાટની વિશેષ પરંપરા
​​​​​​​

બીજી લોકમાન્યતા અનુસાર, યમુનાએ યમરાજ સમક્ષ એવી પ્રાર્થના કરી હતી કે કારતક સુદ બીજના દિવસે જે ભાઈ-બહેન મથુરાના વિશ્રામ ઘાટ પર યમુનામાં સ્નાન કરે અને ભાઈ બહેનના ઘરે ભોજન કરે, તેમને યમલોકની યાતનાઓમાંથી મુક્તિ મળે અને મોક્ષની પ્રાપ્તિ થાય. યમરાજે આ પ્રાર્થના સ્વીકારી હોવાનું માનવામાં આવે છે. ત્યારથી મથુરાના વિશ્રામ ઘાટ પર ભાઈબીજના દિવસે ભાઈ-બહેનના સ્નાનની પરંપરા શરૂ થઈ હોવાનું કહેવાય છે.
આમ, ભાઈબીજનો તહેવાર માત્ર તિલક અને ભેટની આપ-લે પૂરતો સીમિત નથી. તેની પાછળ ભાઈ-બહેનના પ્રેમ, વિશ્વાસ, સમર્પણ અને એકબીજાના સુખી જીવન માટેની પ્રાર્થનાનો સંદેશ છુપાયેલો છે. અનેક પૌરાણિક માન્યતાઓ અને પરંપરાઓ સાથે જોડાયેલો આ તહેવાર આજે પણ ભારતીય સંસ્કૃતિમાં વિશેષ સ્થાન ધરાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application