જામનગરના હાપા જીઆઇડીસી વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. કારણ કે, મોટાભાગની ગટરમાં ઢાંકણા ફીટ થતા ન હોવાની ફરિયાદો ઉઠતા આ કામગીરીની ગુણવતા સામે સવાલ ઉભા થયા છે. આટલું જ નહીં આ વિસ્તારમાં લોકભાગીદારીથી સીસી રોડ બન્યા બાદ ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવતા આ કામગીરી શંકાના દાયરામાં આવી છે. ગટરની કામગીરી માટે આવાગમનના માર્ગો ખોદી માટી ભરી દઇ થૂંકના સાંધા સમાન કામગીરીથી ઉધોગકારો હેરાન-પરેશાન થઇ ગયા છે. પહેલા ગટરની કામગીરી બાદમાં સીસી રોડ એમ ક્રમબઘ્ધ કામ કરવાને બદલે રોડ બન્યા બાદ ગટરની કામગીરીથી પ્રજાના નાણાંનો ધુમાડો થઇ રહ્યાની રાવ પણ ઉઠી છે.
જામનગરના મહત્વના હાપા જીઆઇડીસી વિસ્તારમાં મહાનગરપાલીકા દ્વારા લોકભાગીદારીથી સીસી રોડ બનાવામાં આવ્યા હતાં. પરંતુ તે સમયે મહાનગરપાલીકાના જવાબદારોને એ વાતનું જ્ઞાન ન હતું કે, આ વિસ્તારમાં પણ આગામી દિવસોમાં ભૂગર્ભ ગટરની કામગીરી કરવાની રહેશે.

જો કે, આ પ્રક્રીયા શહેરના મોટાભાગના વિસ્તારોમાં અનુસરવામાં આવી રહી હોય શા માટે પહેલા સીસી રોડ અને ત્યારબાદ ભૂગર્ભ ગટરનું કામ કરવા માટે પુન: રોડ ખોદવામાં આવે છે તે શહેરીજનોને હજુ પણ સમજાતું નથી. આ પ્રક્રીયા પાછળ કયો મલીન ઇરાદો છે તે પણ સામાન્ય નહીં વીજીલન્સ તપાસનો વિષય બન્યો છે. હાપા જીઆઇડીસી વિસ્તારમાં ભૂગર્ભ ગટર માટે માર્ગો ખોદી ત્યારબાદ માટી ભરી થૂંકના સાંધા મારવામાં આવ્યા છે. જેના કારણે આવાગમનમાં ભારે હાલાકી પડી રહી હોવાની ફરિયાદો ઉધોગકારો અને પ્લોટધારકોમાં ઉઠી છે.
નવાઇની વાત તો એ છે કે, હાપા જીઆઇડીસી વિસ્તારમાં મસમોટા ખર્ચે ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી છે. પરંતુ જે કુંડી બનાવામાં આવી છે તેમાં મોટા ભાગની કુંડીઓમાં ઢાંકણા ફીટ થતા નથી. લેવલ વગરના ઢાંકણાથી ભારેખમ વાહનો પસાર થતા તૂટી જવાનો ભય રહે છે. આટલું જ નહીં ઢાંકણાના કારણે કુંડીઓ પણ તૂટવાનો ખતરો છે. આમ મસમોટા ખર્ચે કરવામાં આવેલી ભૂગર્ભ ગટરની કામગીરીમાં લોટ પાણીને લાકડાની ફરિયાદો પણ ઉઠી છે. ભૂગર્ભ ગટરની કામગીરી કર્યા બાદ જયાં જયાં ખોદકામ કરવામાં આવ્યું છે ત્યાં માટી ભરી દેવાતા તેના પરથી વાહનો પસાર થતાં માટી ગટરમાં ભરાઇ જતા ગટર ચોકઅપ થવાની ભીતિ ઉભી થઇ છે. આટલું જ નહીં ભારે વાહનોના વ્હીલ ખૂપી જવાના બનાવ પણ બની રહ્યા છે. ખાટલે મોટી ખોટ એ છે કે, ભૂગર્ભ ગટર સંબધિત ફરિયાદો કર્યાના ૫-પ દિવસ બાદ પણ કર્મચારીઓ ન આવતા લોકોમાં ભારે દેકારો બોલી ગયો છે. ત્યારે શહેરમાં અન્ય સ્થળોની જેમ હાપા જીઆઇડીસી વિસ્તારમાં કરવામાં આવેલી ભૂગર્ભ ગટરની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application