જામનગર મહાપાલીકા વેરો ઉઘરાવવાની બાબતમાં બે વર્ષમાં આગળ વધી છે, મોટાભાગની સરકારી કચેરીઓ પાસેથી વેરો લેવામાં મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળની ટેકસ શાખાની ટીમ સફળ પણ થઇ છે, પરંતુ ઉંડ-૧, સસોઇ, આજી-૩ અને નર્મદાના પાણીના ભરવા પડતા વેરા અને તેનું વ્યાજ ખુબ જ વધી ગયું છે, જુલાઇ માસના સતાવાર આંકડા તપાસીએ તો ૧૪૦૬૯ કરોડ સરકારને ચુકવવાના બાકી છે જેમાં ૮૧૪૨૯ લાખ વ્યાજનો પણ સમાવેશ થાય છે. મહાપાલીકાની સ્થિતિ એક વર્ષ પહેલા સારી ન હતી, પરંતુ ટેકસની આવકમાં વધારો થતાં સ્થિતિ થોડે ઘણે અંશે સુધરી છે, પરંતુ જો સરકાર કોર્પોરેશનને ચુકવવા પડતા નાણા માફ કરી દે તો જ કોર્પોરેશનને થોડી રાહત થાય તેમ છે. જો કે પાંચ મહીનામાં વ્યાજની રકમમાં પણ વધારો થઇ ચૂકયો છે તે પણ હકીકત છે.
જામનગર મહાપાલીકા તમામ ડેમમાંથી થઇને લગભગ ૧૪૫ એમએલડી પાણી લે છે, ખાસ કરીને નર્મદાનું ૨૦ એમએલડી જેટલું પાણી કોર્પોરેશનને મોંઘુ પડે છે, પરંતુ કટોકટીના સમયમાં નર્મદાનું પાણી જ કામ આવે છે, ઉંડ-૧ જામનગર જિલ્લાનો સૌથી મોટો ડેમ છે, ક્ષેત્રફળની દ્રષ્ટિએ પણ આ ડેમ ખુબ મોટો છે ત્યારે ઉંડ ડેમના પૈસા સૌથી વધુ ચુકવવાના બાકી છે, સતાવાર રીતે આંકડા જોઇએ તો ઉંડ-૧માં ૨૦૦૪૫.૪૪૧૩૧નો પાણી ચાર્જ ૩૩૦૦૭.૭૨૦૯૫૮ વ્યાજ અને પેનલ્ટી, જુલાઇ ૨૫ સુધીમાં ચુકવવાના રહેતા ૫૩૦૫૩.૧૭૦૮૯ની રકમ થાય છે.

સસોઇ ડેમનું થોડુ પાણી ખેડુતોને પણ આપવામાં આવે છે, સસોઇ ડેમનો અત્યાર સુધીનો બાકી રહેલો પાણી ચાર્જ ૪૨૧૫.૧૫૮૪૮ છે, વ્યાજ અને પેનલ્ટી ૩૮૧૨૦.૬૨૯૩૩ છે જયારે અત્યાર સુધીમાં કુલ ચુકવવાના રૂ.૪૨૩૩૫.૭૮૭૮૧ છે. સસોઇ ડેમ આ વર્ષે પણ છલકાઇ ચુકયો છે, જામનગરને જયારે કટોકટી હોય ત્યારે પાણી આપવામાં આ ડેમ ઉપયોગી નિવડે છે.
આજી-૩ની વાત લઇએ તો જુલાઇ સુધીમાં ચુકવવાના છે તેમાં પાણી ચાર્જના ૮૦૧૩.૭૯૫૬૯ વ્યાજ પેનલ્ટી ૧૦૧૬૫.૦૯૯૪૮ કુલ રકમ ચુકવવાની ૧૮૧૭૮.૮૯૫૧૭ બાકી છે જયારે નર્મદાનું પાણી આપણને કડવું લાગે છે, કારણ કે તેનો ચાર્જ ખુબ જ વધુ આવતો હોય છે, જુલાઇ સુધીમાં પાણી ચાર્જ ૨૬૯૯૫.૭૫૨૮૨ વ્યાજ અને પેનલ્ટી ૧૩૫.૭૬૫૯૮ ચુકવવા પાત્ર રકમ ૨૭૧૩૧.૫૧૮૮૦ થાય છે. એટલે કે કુલ પાણી ચાર્જ બધાનો સહીત ૫૯૨૭૦.૧૪૮૩૦ અત્યાર સુધીની વ્યાજ અને પેનલ્ટી ૮૪૧૨૯.૨૨૪૩૭ અને ચુકવવા પાત્ર કુલ રકમ જુલાઇ સુધીમાં ૧૪૦૬૯૯.૩૭૨૬૭ થવા જાય છે. ઓગષ્ટથી ડીસેમ્બર સુધીમાં વ્યાજ અને પેનલ્ટી સહીત લગભગ ૧૫૦ કરોડની રકમ આ કુલ રકમમાં વધી જશે તેમ લાગે છે.
છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશન દ્વારા શહેરના ૬૫ થી ૭૦ ટકા વિસ્તારમાં દરરોજ પાણી આપવાનું નકકી થયું છે અને અપાય છે, રણજીતનગર સોલેરીયમ, નવાગામ ઘેડ, બેડી, મહાપ્રભુજીની બેઠક, પવનચકકી ઝોનમાં દરરોજ પાણી વિતરણ થાય છે, આગામી દિવસોમાં લગભગ બે અઠવાડીયામાં જ શંકરટેકરી સીટી વિસ્તાર અને ગુલાબનગર વિસ્તારમાં દૈનિક પાણીનું વિતરણ કરવામાં આવશે.
જામનગરમાં કયાં ડેમમાંથી કેટલું પાણી લેવાય છે ?
આજી-૩ ૪૦એમએલડી
ઉંડ-૧ ૨૫એમએલડી
સસોઇ ૨૫એમએલડી
રણજીતસાગર ૪૫એમએલડી
નર્મદા ૧૯ થી ૨૦એમએલડી