દેશભરમાં આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાઈ રહ્યો છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશને સંબોધન કર્યું. તેમના સંબોધન બાદ એક એવી ભાવુક ક્ષણ જોવા મળી, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું. વડાપ્રધાન બાળકોને મળવા પહોંચ્યા ત્યારે એક બાળકીની ટોપી નીચે પડી ગઈ અને PM મોદીએ જાતે ટોપી ઉઠાવીને તેને પહેરાવી હતી.
બાળકીની ટોપી ઉઠાવીને જાતે પહેરાવી
લાલ કિલ્લાની પ્રાચીર પરથી સંબોધન પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન આગળ વધી રહ્યા હતા ત્યારે સફેદ, લીલા અને કેસરી રંગના કપડાં પહેરેલા સ્કૂલના બાળકોનો એક સમૂહ તેમને મળવા માટે દોડી આવ્યો હતો. PM મોદી બાળકોને મળવા માટે રોકાયા અને અનેક બાળકો સાથે હાથ મિલાવ્યો હતો.
આ દરમિયાન એક બાળકી વડાપ્રધાનને મળતી વખતે તેમના પગે લાગી હતી. તે સમયે બાળકીના માથા પરથી ટોપી નીચે પડી ગઈ હતી. PM મોદીએ તરત જ ટોપી ઉઠાવી અને બાળકીના માથા પર જાતે પહેરાવી હતી. આ નાનકડી પરંતુ લાગણીસભર ક્ષણે ત્યાં હાજર લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ઘટનાના વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી રહ્યા છે.
2047 સુધી વિકસિત ભારતનું લક્ષ્ય
બાળકોને મળતા પહેલાં વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કર્યો હતો. તેમણે 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પોતાના ભાષણમાં તેમણે આત્મનિર્ભરતા, ટેક્નોલોજી, યુવાનો, ઊર્જા, રાષ્ટ્રીય સુરક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી હતી.
આ વર્ષનો સ્વાતંત્ર્ય દિવસ ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાના સંદર્ભમાં પણ ખાસ રહ્યો. PM મોદીએ ‘વંદે માતરમ્’ની ભાવનાને ભારતના વિકસિત રાષ્ટ્ર બનવાના સંકલ્પ સાથે જોડીને દેશવાસીઓને સામૂહિક પ્રયાસો માટે અપીલ કરી હતી.
‘સપ્તધારા’ પર ભાર
PM મોદીના ભાષણમાં આગામી પેઢીના સુધારાઓ પર પણ ખાસ ભાર રહ્યો. તેમણે ભારતની વિકાસયાત્રાને આગળ વધારવા માટે ‘સપ્તધારા’નો ઉલ્લેખ કર્યો. તેમાં મેન્યુફેક્ચરિંગને મજબૂત બનાવવું, વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની સ્થિતિ સુધારવી, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગને પ્રોત્સાહન, ટેક્નોલોજી અને ઈનોવેશન, કનેક્ટિવિટી, સંરક્ષણ ક્ષમતા તેમજ ગ્રીન અને બ્લૂ ઇકોનોમીનો વિકાસ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
યુવાનો અને AI પર ખાસ ધ્યાન
વડાપ્રધાને યુવાનોને વિકસિત ભારતની સૌથી મોટી શક્તિ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે સરકાર આગામી એક વર્ષમાં એક કરોડથી વધુ યુવાનોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું તાલીમ આપવાની દિશામાં કામ કરશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત ઓનલાઈન કોચિંગ અંગે પણ તેમણે જાહેરાત કરી હતી. આ ઉપરાંત 5થી 15 વર્ષની વયના બાળકોમાં રમતગમતની પ્રતિભા ઓળખવા અને 2036ના ઓલિમ્પિકમાં ભારતની ભાગીદારી વધુ રમતોમાં વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
મહિલા ભાગીદારી અને રાષ્ટ્રીય સુરક્ષા
PM મોદીએ રાજકીય ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે તમામ રાજકીય પક્ષોને નારી શક્તિ વંદન અધિનિયમના અમલીકરણમાં સહયોગ આપવા અપીલ કરી હતી. રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે તેમણે નક્સલવાદ અને માઓવાદ સામે દેશને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
લાલ કિલ્લા પર વડાપ્રધાનનું સ્વાગત રક્ષામંત્રી રાજનાથ સિંહ, રક્ષા રાજ્યમંત્રી સંજય સેઠ અને રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહે કર્યું હતું. ત્યારબાદ સેના, નૌસેના, વાયુસેના અને દિલ્હી પોલીસના જવાનોની ટુકડીએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. જોકે, સમગ્ર કાર્યક્રમ બાદ બાળકો સાથેની નાનકડી મુલાકાત અને બાળકીની ટોપી ઉઠાવીને પહેરાવવાની ક્ષણ ખાસ યાદગાર બની હતી.