રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજે માત્ર ઈંટો અને પથ્થરોનો ઢગલો નથી, પણ હજારો ગરીબ પરિવારોના સપનાઓનું સ્મશાન બની ગયું છે. જે ગલીઓમાં ક્યારેક બાળકોના હાસ્ય ગુંજતા હતા, આજે ત્યાં જેસીબીના પંજા અને બુલડોઝરનો કર્કશ અવાજ સંભળાઈ રહ્યો છે. એકસાથે ૧૪૮૯ મકાનો પર જ્યારે કાળરૂપી બુલડોઝર ફરી વળ્યા, ત્યારે માત્ર દીવાલો નથી તૂટી, પણ વર્ષોની મહેનતથી સિંચાયેલા ગરીબ માણસના અરમાનો પણ ધૂળમાં મળી ગયા છે.
યુદ્ધના મેદાન જેવો માહોલ અને અંધકારમય ભવિષ્ય
સમગ્ર જંગલેશ્વર વિસ્તાર આજે કોઈ યુદ્ધના મેદાન જેવું ભાંસી રહ્યો છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, પેરા મિલિટરી ફોર્સની હાજરી અને મનપાના અધિકારીઓનો કાફલો ચારેતરફ નજરે પડે છે. પીજીવીસીએલ દ્વારા વીજ જોડાણો કાપી નાખવામાં આવતા હજારો પરિવારો પળવારમાં અંધકારમાં ધકેલાઈ ગયા છે. 64 જેસીબી, 90 ટ્રેક્ટર અને 7 હિટાચી મશીનો દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીએ અનેક આંગણાઓને પથ્થરોના ઢગલામાં ફેરવી દીધા છે.
વેદનાની પરાકાષ્ઠા: ઘરવખરી અને યાદોનો સામાન
સૌથી વધુ હૃદયદ્રાવક દ્રશ્યો ત્યારે જોવા મળ્યા જ્યારે લોકો ઉતાવળમાં ઘર ખાલી કરીને બહાર નીકળ્યા. રસ્તા પર વિખરાયેલો ઘરવખરીનો સામાન-ક્યાંક અધૂરો છૂટી ગયેલો ગેસ સ્ટવ, તો ક્યાંક ધૂળમાં રગદોળાતા બાળકોના પ્લાસ્ટિકના રમકડાં આ બધું જ ચીસો પાડીને તેમની વેદના કહી રહ્યું છે. એક વૃદ્ધા ચોધાર આંસુએ રડતા જણાવી રહ્યા હતા કે, 60 વર્ષની કાળી મજૂરી બાદ બનાવેલું ઘર આજે તેમની નજર સામે જમીનદોસ્ત થઈ ગયું. તેમનો દીકરો કારખાનામાં મજૂરી કરે છે, હવે તેમની પાસે ન તો ઘર છે, ન કોઈ આશરો.
કાયદો વિરુદ્ધ માનવીય સંવેદના
નિયમો અને કાયદાની કલમો કદાચ આ ઐતિહાસિક ડિમોલિશનને યોગ્ય ઠેરવશે. તંત્ર દ્વારા શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી રહી છે અને ડીસીપી જગદીશ બાંગરવાએ સ્થિતિ પર નિયંત્રણ હોવાનું જણાવ્યું છે. પરંતુ જે મા-બાપે પેટે પાટા બાંધીને આ એક-એક ઈંટ ચણી હતી, તેમના આંસુનો હિસાબ કોણ આપશે? ઘર ખાલી કરીને રવાના થતા લોકોના પગ ભારે છે, કારણ કે તેમને ખબર નથી કે આજની રાત ક્યાં વીતશે.
અસરગ્રસ્તોની એક જ કરુણ માંગ છે: "અમને આશરો આપો, અમને ક્વાર્ટર આપો". જંગલેશ્વરની માટીમાં આજે લોહી-પરસેવાની કમાણી કાટમાળ બનીને પડી છે, અને તેની સાથે દટાઈ ગયા છે હજારો ગરીબ પરિવારોના સપના.