ચારધામ પૈકીનું એક એવું દ્વારકા ખાસ કરીને સુદર્શન બ્રિજ બન્યા બાદ વિકાસના ટ્રેક પર પુરપાટ દોડતું થયું છે, સાથે-સાથે જમીનો પર ગેરકાયદે દબાણના કિસ્સાઓ પણ ખુબ વધી રહ્યા છે, ભૂ-માફીયાઓની નજર દ્વારકા પર કેન્દ્રીત થઇ છે, તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો તોડવામાં પણ આવી રહ્યા છે, આ સંજોગો વચ્ચે દ્વારકાના ખારાતળાવ રોડ પર આવેલ વિશાળ જગ્યામાં ખડકી દેવાયેલા ગેરકાયદે બાંધકામ તોડવામાં આવતું નહીં હોવાથી અનેક સવાલો ઉઠયા છે, જયારથી આવ્યા ત્યારથી જમીન દબાણકારો સામે આફત બનેલા પ્રાંત અધિકારી અમોલ આવટે આ પ્રકરણમાં શું કામ ખામોશ થઇ ગયા છે ? એમના હાથ શું કામ ટુંકા પડી રહ્યા છે ? એવી વ્યાપક ચર્ચા દ્વારકામાં ચારેકોર ઉઠી છે.
અત્યંત મહત્વની અને ઘ્યાનાકર્ષક વાત તો એ છે કે, ખારાતળાવ રોડ પરની આ જગ્યા પર ગેરકાયદે બાંધકામ થયું છે એવું એકાદ વર્ષ પહેલા સામે આવી ચૂકયું છે અને બાંધકામ સ્વૈચ્છાએ તોડવા માટે ૧૧ મહીના પહેલા અલ્ટીમેટમ આપવામાં આવી ગયું હોવા પછી પણ બાંધકામ તોડવા કોઇ કાર્યવાહી ન થતાં તંત્રની વિશ્ર્વસનીયતા શંકાના દાયરામાં આવી છે.
જાણવા મળ્યું છે કે, યાત્રાધામ દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં ખારાતળાવ રોડ પર ૪ હજાર ફુટ જગ્યામાં હોટલ રીજન્ટાના નામે વ્યવસાયીક એકમ તેમજ ફલ્યુટ હોસ્પિટાલીટી પ્રા.લી.ના નામે ધંધો ખડકી દેવામાં આવ્યો છે અને આ આખી જગ્યા પર જે બાંધકામ થયું છે તે તદન ગેરકાયદેસર હોવાનું સામે આવ્યા પછી જયંત માપભા માણેક દ્વારા પ્રાંત અધિકારી અમોલ આવટેને રજૂઆત કરવામાં આવી હતી. આટલું જ નહીં નરસંગ ટેકરી વિસ્તાર તથા ગેરકાયદે બાંધકામની આસપાસ રહેતા લોકો દ્વારા પણ તંત્ર સમક્ષ મૌખીક રજૂઆતો કરવામાં આવી હતી.
ગેરકાયદે બાંધકામ સંબંધે રજૂઆતો થયા બાદ ખારા તળાવ રોડ પર હોટલ રીજન્ટા નામે ચલાવાતા વ્યવસાયકારીને દબાણ સ્વૈચ્છાએ દુર કરવા તા.૧૮-૧-૨૦૨૫ના રોજ નોટીસ આપવામાં આવી હતી, આ દબાણને તા.૨૨-૧-૨૦૨૫ સુધીમાં દુર કરી દેવા ફલ્યુટ હોસ્પિટાલીટી પ્રા.લી.ના અશોકકુમાર ભવરલાલ ધુતને પ્રાંત અધિકારીની કચેરી તરફથી નોટીસ ફટકારવામાં આવી હતી.
જયારે નોટીસ અપાઇ ત્યારે આ ગેરકાયદે જગ્યાના માલીક બનેલા અશોકકુમાર ભવરલાલ ધુત દ્વારા પોતે પાંચ દિવસમાં દબાણ ખુલ્લું કરી આપશે એવી લેખિતમાં ખાતરી આપી હતી, એટલા માટે સંબંધીત તંત્ર દ્વારા આખા દબાણ પૈકી માત્ર એક દિવાલ તે સમયે હટાવવામાં આવી હતી અને બાકીનું આખુ મસમોટુ દબાણ હટાવવા મહેતલ આપી દેવામાં આવી હતી અથવા આંખ આડા કાન કરી લેવામાં આવ્યા હતાં અથવા કોઇના દબાણ તળે ચુપકીદી સેવી લેવામાં આવી હતી. વાત જે કાંઇ હોય ૧૧ માસ જેવા લાંબા સમય પછી પણ આ દબાણ ઠેરનું ઠેર છે તે બાબત ભારે આશ્ર્ચર્યજનક છે.
આવતાની સાથે ગેરકાયદે દબાણો પર સિંઘમ બનીને તુટી પડેલા પ્રાંત અધિકારી અમોલ આવટે દ્વારા ખારાતળાવ પરની આ ગેરકાયદે જગ્યાને તોડી પાડવા જે અલ્ટીમેટમ અપાયું હતું તેને આજે ૧૧ માસ જેવો ખાસ્સો સમય વીતી ગયો છે, છતાં આ ગેરકાયદે બાંધકામ શું કામ તોડવામાં આવતું નથી ? શું કામ દબાણકર્તાને પીળો પરવાનો આપી દેવામાં આવ્યો છે ? એ બાબત ચર્ચાનો વિષય બની છે અને જે વ્યકિત દ્વારા આ આખા દબાણ અંગે રજૂઆત કરવામાં આવી હતી એમના દ્વારા હવે હાઇકોર્ટમાં કાનુની જંગ કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી છે જે આગામી સમયમાં ગમે ત્યારે વડી અદાલતમાં કાનુની લડતનો મુદો બની શકે છે.
મહત્વની વાત એ છે કે, દ્વારકા, બેટદ્વારકા જેવા ઝડપથી વિકસી રહેલા ધાર્મિક સ્થળો પર જમીનના શાહ સોદાગરોની નજર પડી છે, સ્વભાવીક રીતે જમીનના કૌભાંડીયો પણ બાંયો ચડાવીને સામે આવી ગયા છે, વિતેલા મહીનાઓમાં અમોલ આવટે દ્વારા સંખ્યાબંધ ગરીબ લોકોના ગેરકાયદે બાંધકામોનો સફાયો કરી દેવામાં આવ્યો છે અને એવી ધાંક પ્રસ્થાપીત કરાઇ છે કે, દ્વારકાની પ્રાંત કચેરી ગેરકાયદે બાંધકામો તોડવા મકકમ છે, ત્યારે સવાલ ઉઠે છે કે, આટલી મોટી જગ્યામાં ખારાતળાવ પાસે ગેરકાયદે બાંધકામને ૧૧-૧૧ માસ સુધી મહેતલ કયાં આધારે અને કયાં કાનુન હેઠળ આપવામાં આવી છે ?
ગરીબોના ઘર તોડવામાં તો તમે જરા પણ વિલંબ કર્યો ન હતો, બુલડોઝર, પોલીસ, લાવ લશ્કર લઇને હીરો બનવા પ્રાંત કચેરીના અધિકારીઓ નિકળી પડયા હતાં, ત્યારે ખારાતળાવની ગેરકાયદે જગ્યાના મુદે આ કહેવાતા દબંગો શું કામ ઝીરો બની ગયા છે ? એ સવાલ વ્યાપકપણે ઉઠી રહ્યો છે અને આગામી સમયમાં સમગ્ર મુદે કાનુની લડત પણ શરૂ થઇ શકે.