જો તમે તાજેતરમાં કોઈ નવી લોન કે ક્રેડિટ કાર્ડ ન લીધું હોય, છતાં તમારો CIBIL સ્કોર (ક્રેડિટ સ્કોર) બદલાઈ ગયો હોય તો ગભરાવાની જરૂર નથી. ક્રેડિટ સ્કોર માત્ર નવી લોન લેવા પર નિર્ભર નથી હોતો. તે તમારા ક્રેડિટ યુટિલાઇઝેશન, જૂના એકાઉન્ટ્સ અને બેંકિંગ રિપોર્ટિંગના આધારે સતત અપડેટ થતો રહે છે.
તમારી ક્રેડિટ રિપોર્ટમાં ફેરફાર થવાથી લોન લીધા વિના પણ ક્રેડિટ સ્કોર બદલાવાના 5 મુખ્ય કારણો નીચે મુજબ છે:
1. ક્રેડિટ કાર્ડના બેલેન્સમાં ફેરફાર થવો
તમે સમયસર બિલ ભરતા હોવ છતાં, જો બેંક જે દિવસે ક્રેડિટ બ્યુરોને ડેટા મોકલે છે તે દિવસે તમારા કાર્ડ પર બેલેન્સ વધુ દેખાતું હોય તો તમારું ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો (Credit Utilization Ratio) વધી જાય છે. આ કારણે સ્કોરમાં થોડો ઉતાર-ચઢાવ આવી શકે છે.
2. જૂનું ક્રેડિટ કાર્ડ બંધ કરવું
ક્રેડિટ સ્કોર નક્કી કરવામાં તમારી ક્રેડિટ હિસ્ટ્રી કેટલી જૂની છે તે મહત્વનો ભાગ ભજવે છે. જો તમે વર્ષો જૂનું કાર્ડ બંધ કરી દો છો, તો તમારી કુલ ક્રેડિટ હિસ્ટ્રીની સરેરાશ ઉંમર ઘટી જાય છે, જેની અસર સ્કોર પર પડી શકે છે.
3. ક્રેડિટ ઇન્ક્વાયરી (Credit Enquiry) થવી
જો તમે લોન ન લીધી હોય પરંતુ ક્રેડિટ કાર્ડ કે નવી લોન માટે માત્ર અરજી કરી હોય, તો પણ બેંક તમારી ક્રેડિટ રિપોર્ટ ચેક કરે છે. આને હાર્ડ ઇન્ક્વાયરી કહેવામાં આવે છે. ટૂંકા સમયમાં વારંવાર કરાતી અરજીઓ સ્કોર પર નકારાત્મક અસર કરે છે.
4. બેંક દ્વારા જૂની માહિતી અપડેટ કરવી
અનેક વાર બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ તમારા જૂના ચુકવણીના રેકોર્ડ્સ, બાકી રકમ કે એકાઉન્ટ સ્ટેટસની વિગતો વિલંબથી અપડેટ કરતી હોય છે. આ નવી માહિતી સિસ્ટમમાં દાખલ થતાં જ CIBIL સ્કોર બદલાઈ જાય છે.
5. ક્રેડિટ રિપોર્ટમાં ટેકનિકલ ભૂલ હોવી
ઘણીવાર સ્કોર ઘટવાનું કારણ બેંક અથવા ક્રેડિટ બ્યુરોની ભૂલ પણ હોઈ શકે છે. જેમ કે, જે લોન તમે લીધી જ નથી તે તમારી રિપોર્ટમાં દેખાવી અથવા સમયસર ચૂકવેલા બિલને મોડું ચૂકવેલું દર્શાવવું. આવી ભૂલો ધ્યાને આવતાં જ તેને સુધારવા માટે તરત જ વિવાદ (Dispute) નોંધાવવો જોઈએ.