ભાવનગર શહેરમાં તાજેતરમાં બનેલી લઠ્ઠાકાંડની ગોઝારી ઘટનાને હજુ એક મહિનો પણ પૂરો થયો નથી, ત્યાં ફરી એકવાર બુટલેગરોની ગંભીર અને બેજવાબદાર હરકત સામે આવી છે. શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી રેલવે કોલોનીના એક સરકારી ક્વાર્ટરમાંથી ધમધમતી નકલી રોયલ સ્ટેગ દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને બોરતળાવ પોલીસે સંયુક્ત રીતે આ સ્થળ પર દરોડો પાડીને મોટા પ્રમાણમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડી પાડી છે.
આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રેલવે કર્મચારી અક્ષયરાજસિંહ ગોહિલ, તેના ભાગીદાર વિજય ઉર્ફે મયંક મકવાણા અને તેમના પગારદાર કર્મચારી તરીકે કામ કરતા જીતેન્દ્ર ખાવડીયા નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસની આ કાર્યવાહીમાં ફેક્ટરીમાંથી નકલી દારૂ ભરેલી રોયલ સ્ટેગની ૧૭ બોટલો, બ્રાન્ડેડ સ્ટીકરો તેમજ કેમિકલના કેરબા સહિતનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ભાવનગરમાં અગાઉ થયેલા લઠ્ઠાકાંડમાં ૧૪ જેટલા નિર્દોષ લોકોના મોત નીપજ્યા હોવા છતાં પણ બુટલેગરોમાં કાયદાનો કોઈ ડર ન હોવાનું આ ઘટના પરથી સાબિત થાય છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસ દરમિયાન એવા ચોંકાવનારા ખુલાસા થયા છે કે, મુખ્ય આરોપી અક્ષયરાજસિંહ અને વિજય ઉર્ફે મયંક બંને ભાગીદારીમાં આ નકલી દારૂ બનાવવાનું કૌભાંડ ચલાવતા હતા, જ્યારે પકડાયેલ જીતેન્દ્ર ખાવડીયા તેમને મદદ કરતો પગારદાર માણસ હતો. આરોપીઓએ પોલીસથી બચવા માટે કેરબામાં રહેલું કેમિકલ ઢોળી નાખ્યું હોવાનું પણ કબૂલ્યું છે. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકમાં પકડાયેલા ત્રણેય શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ તેમજ અન્ય કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ રેકેટમાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓની વાત કરીએ તો, રામદેવસિંહ ઝાલા (મોરબી), અર્જૂનસિંહ સોઢા, સૂર્યપ્રતાપસિંહ રાઠોડ (બ્યાવર, રાજસ્થાન), અજીતસિંહ ઉર્ફે બન્ના રાઠોડ (રાજસ્થાન), શક્તિસિંહ રાયજાદા (ખાંટડી, ભાવનગર), ભાવેશ સોલંકી (ભાવનગર) અને શરદ ચાવડા (ભાવનગર) વિરુદ્ધ પણ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. આ નકલી દારૂની ફેક્ટરી કેટલા સમયથી ચાલી રહી હતી અને અત્યાર સુધીમાં કેટલો જથ્થો બજારમાં વેચવામાં આવ્યો છે તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચે સઘન તપાસ શરૂ કરી છે.