રાજ્યભરમાં વિજ કટોકટી ઘેરી બની છે અને નર્મદાનીર વિના રાજકોટના મુખ્ય જળ સ્ત્રોત આજી અને ન્યારી ડેમ ખાલી પડ્યા છે તેમજ મ્યુનિ.તિજોરી પણ તળિયાઝાટક છે છતાં તેનાથી રાજકોટ મહાનગરપાલિકાને કંઇ જ ફરક પડતો નથી. શાસકોને તાયફાઓ કરવાનો મોહ છૂટતો નથી. શરદ પૂનમે યોજાયેલો રાસોત્સવ ફેઈલ ગયો હોવા છતાં દિવાળીના તહેવારમાં ચાર દિવસ સુધી કાર્નિવલ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ અંગેની સત્તાવાર જાહેરાત આજે સાંજે સુધીમાં અથવા આવતીકાલે સવારે કરવામાં આવશે તેમ જાણવા મળે છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, વાઘ બારસ, ધન તેરસ, કાળી ચૌદશ અને દિવાળી એમ ચાર દિવસ સુધી દિવાલી કાર્નિવલ યોજવા નિર્ણય લેવાયો છે. જેમાં 'રંગ રોશની અને રાજકોટ દિપાવલી મહોત્સવ' તેવુ રૂપકડુ નામ આપી દેવામાં આવ્યુ છે. રેસકોર્સ રીંગ રોડ ફરતે અઢી કિલો મીટરના વિસ્તારમાં આકર્ષક રોશની કરવામાં આવશે. આ ઉપરાંત રીંગરોડ ફરતે ભવ્ય રંગોળી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે. ધન તેરશના દિવસે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્યાતિભવ્ય આતશબાજી યોજવામાં આવશે. કાર્નિવલમાં માત્ર ડી.જે.ની ધમાલ નહીં હોય એટલી જ સાદગી જોવા મળશે. બાકી વિજળીનો બેફામ ઉપયોગ થશે તેમાં શંકા નથી. દિવાળી કાર્નિવલ માટે શોર્ટ ટર્મ ટેન્ડર પ્રસિદ્ધ કરવા અધિકારીઓને આદેશ અપાયો છે. આજે સાંજ સુધીમાં ટેન્ડર પ્રસિદ્ધ થશે.
મ્યુનિ.સૂત્રોએ ઉમેર્યું હતું કે, અગાઉ કાર્નિવલ કેન્સલ કરવા માટે વિચારણા કરવામાં આવી હતી. પરંતુ અંતે દિવાળીમાં ચાર દિવસ માટે દિપાવલી ઉત્સવ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે. આજે સાંજ સુધીમાં સત્તાવાર નિર્ણય લેવામાં આવશે અને આવતીકાલે તેની જાહેરાત કરાશે.