રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં શિસ્ત જાળવવા અને ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત 'ઓપરેશન ગંગાજળ' અભિયાન તેજ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ સરકારે કડક પગલાં લેતાં વહીવટી તંત્રના બે અધિકારીઓને સમય પહેલાં જ ફરજિયાત નિવૃત્ત કરી દીધા છે, જેના કારણે અધિકારી આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે.
સરકાર દ્વારા લેવાયેલા આ શિક્ષાત્મક પગલાંમાં રણપુરના તાલુકા વિકાસ અધિકારી (TDO) એચ.એફ. ભુવાત્રા અને શિહોરના તાલુકા વિકાસ અધિકારી (TDO) એમ.બી. રાવનો સમાવેશ થાય છે. આ બંને અધિકારીઓ સામે લાંબા સમયથી વિવિધ ગેરરીતિઓ અને વહીવટી લાપરવાહીના આક્ષેપો ચાલી રહ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા આ મોટો નિર્ણય લેવાયો છે.
વહેલી નિવૃત્તિના આ આદેશ છતાં, શિહોરના TDO એમ.બી. રાવ સામે કાયદો છટકબારી પૂરી પાડશે નહીં. તેમની સામે અગાઉથી ચાલતી ન્યાયિક અને ખાતાકીય કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ જ રહેશે, જેથી ભ્રષ્ટ આચરણ કરનાર અધિકારીઓ સામે કાયદાકીય શિકંજો વધુ મજબૂત બની રહે.
સરકારની આ કડક કાર્યવાહીથી સરકારી ઓફિસો અને તાલુકા કક્ષાએ ફરજ બજાવતા ભ્રષ્ટ તથા અનિયમિત અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ પ્રકારના કડક નિર્ણયોથી વહીવટી કામગીરીમાં પારદર્શિતા આવશે અને પ્રજાના કામોમાં થતી લાપરવાહી અટકશે તેવી વ્યાપક આશા જાગી છે.
ગઈકાલે બે ગેસ કેડરના અધિકારીને નોકરીમાંથી પાણીચું આપ્યું હતું
ગઈકાલે ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ સોસાયટી, ગાંધીનગરમાં જોઇન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા ડી. આઈ. ભગલાણી અને ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર જે. એમ. તુવરને ફરજિયાત નિવૃત્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બંને અધિકારીઓ ગેસ કેડરના સિનિયર સ્કેલના અધિકારીઓ હતા.