બાબરા નગર પાલિકા આયોજિત સ્વદેશી મેળામાં બાળકોની રાઈડ સંચાલક યુવકને ટ્રેન ઝડપથી ચાલુ કરવાનું કહી ધોકાથી બેફામ મારમારતા મૂંઢ ઇજા થવાથી સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ થયો છે. બનાવનો વિડીયો પણ સામે આવતા વીડિયોમાં સંચાલકને ઢસડીને આડેધડ મારમારવામાં આવી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. આ જોતા પાલિકાના મેળવા આવારા તત્વો દ્વારા રીતસર દાદાગીરી કરવામાં આવી હોવાનું ફલિત થઈ રહ્યું છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના રૈયાધારમાં મચ્છોનગર ટાઉનશીપમાં રહેતા અને મેળામાં ચકરડી સહિતની નાની રાઇડ ફેરવી પેટિયું રડતા લાલુસિંગ ભૈરવસિંગ ચૌહાણ (ઉ.વ.22)નો યુવક બાબરામાં પાલિકા સંચાલિત સ્વદેશી મેળામાં પોતાની ચકરડીઓ, ટ્રેન સહિતની રાઈડ લઈને ધંધા માટે ગયો હતો દરમિયાન રાત્રીના દશેક વાગ્યે મેળામાં બાળકોની ટ્રેનમાં અજાણ્યો વ્યક્તિ આવ્યો હતો અને ટ્રેનમાં કોઈને બેસાડી ટ્રેન ચાલુ કરવાનું કહ્યું હતું. સંચાલક યુવકે ટિકિટ લીધા બાદ ટ્રેન ચાલુ કરવાનું કહેતા શખસ ઉશ્કેરાયો હતો અને ફડાકા મારી દીધા હતા. થોડીવાર બાદ બીજા શખસ સાથે ધોકો લઈને આવે યુવકને ગાળો ભાંડી આડેધડ મારમારી ઢસડ્યો હતો. યુવકને બચાવવા અન્ય લોકો દોડી ગયા હતા. અને વધુ મારથી બચાવ્યો હતો. મૂંઢ ઇજા થવાથી સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ થતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બાબરા પોલીસને જાણ કરતા પોલીસે વીડિયોના આધારે અજાણ્યા શખ્સ સામે તપાસ હાથ ધરી છે.