રાજકોટમાં માલસામાનની લિફ્ટમાં ઉભા રહી કામ કરતા સગીરનું માથું દીવાલમાં ભટકાતા મોત, પરિવારમાં કલ્પાત
રાજકોટમાં માલસામાનની લિફ્ટમાં ઉભા રહી કામ કરતા સગીરનું માથું દીવાલમાં ભટકાતા મોત, પરિવારમાં કલ્પાત
October 28, 2026 04:40 PM
રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં આવેલા પાવર ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં માલવાહક લિફ્ટમાં ઉભી કામ કરતા 17 વર્ષીય સગીરનું માથું દીવાલમાં ભટકતા ગંભીર ઇજા થવાથી ત્યાંજ બેભાન થઇ ઢળી પડતા મૃત્યુ નીપજ્યું હતું. સગીર હોવા છતાં કારખાનામાં કામે રાખવા અંગે કારખાના માલીક સામે પણ તપાસ કરી કાર્યવાહી કરવી જરૂરી બને છે. સગીરના મૃત્યુથી પરિવારમાં કલ્પાત સર્જાયો છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયામાં મચ્છુનગર શેરી નં-3માં રહેતો અને હુસેની ચોક પાસે આવેલા પાવર ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં કામ કરતો ભુપત લાખાભાઈ રાણગા (ઉ.વ.17)નો સગીર ગઈકાલે રાત્રે કરખાનામાં માલની હેરફેર કરવા માટેની લિફ્ટની ઉપર ઊભીને કામ કરતો હતો ત્યારે લિફ્ટ ઉપર જતા સગીરનું માથું દીવાલમાં અથડાતા લોહી લુહાણ થઈ ઢળી પડ્યો હતો. બનાવના પગલે અન્ય શ્રમિકો સહિતના દોડી આવ્યા હતા અને કોઈએ 108ને જાણ કરતા ઇએમટીએ સગીરને માથામાં હેમરેજ થવાથી મૃત્યુ થયાનું જાહેર કરતા ગમગીની છવાઈ હતી. બનાવની જાણ આજીડેમ પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડી તપાસ હાથ ધરી છે.