દિવાળી પહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓને એક સારા સમાચાર મળ્યા છે. મોદી સરકારે આજની કેબિનેટ બેઠકમાં તેમના DA (મોંઘવારી ભથ્થા)માં વધારાની જાહેરાત કરી છે. સરકારે આ માટે રૂ.10,016 કરોડ મંજૂર કર્યા.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ ઘણા દિવસોથી આ વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આજે, 28 ઓક્ટોબરના રોજ, કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં તેમના મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારાની માંગને મંજૂરી આપવામાં આવી છે. પરિણામે, કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 60% થી વધીને 63% થઈ ગયું છે. તેનાથી આશરે 48 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનર્સને લાભ થશે. નવા દરો 1 જુલાઈથી લાગુ માનવામાં આવશે. સરકાર આ માટે 10 હજાર કરોડ રૂપિયા ખર્ચશે.
આ પહેલાં સરકારે એપ્રિલમાં કર્મચારીઓના DA અને પેન્શનર્સ માટેના DRમાં 2 ટકાનો વધારો કર્યો હતો. તે વધારા સાથે DAનો દર 60% પર પહોંચી ગયો હતો. હવે 3 ટકાના તાજેતરના વધારા બાદ આ આંકડો 63% થઈ ગયો છે.
સરકારના આ નિર્ણયથી તહેવારોની સિઝનમાં કર્મચારીઓ અને પેન્શનભોગીઓને સીધો આર્થિક લાભ મળશે અને પાછલા મહિનાઓનું એરિયર પણ ખાતામાં આવશે.
ડીએ વધવાથી પગારમાં સીધો વધારો બેઝિક પેના આધારે નક્કી થાય છે
મિનિમમ બેઝિક સેલરી ધરાવતા કર્મચારીઓ માટે: જો કોઈ કર્મચારીનો બેઝિક પે ₹18,000 છે, તો 3%ના વધારા પ્રમાણે દર મહિને ₹540નો વધારો થશે.
હાયર પે-સ્કેલ ધરાવતા કર્મચારીઓ માટે: જો કોઈ વરિષ્ઠ અધિકારીની બેઝિક સેલરી ₹56,100 છે, તો તેમના માસિક પગારમાં આશરે ₹1,683નો સીધો વધારો થશે.
એરિયર્સની ચુકવણી: કારણ કે આ નિર્ણય જુલાઈથી અમલમાં આવ્યો છે, તેથી કર્મચારીઓને જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના બાકી નાણાં (Arrears) પણ આગામી સેલરી સાથે આપવામાં આવશે.
કેન્દ્ર સરકાર દર વર્ષે કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ અને ડીઆરમાં બે વખત સુધારો કરે છે. પહેલો સુધારો સામાન્ય રીતે જાન્યુઆરીથી અને બીજો જુલાઈથી લાગુ થાય છે. આ જાહેરાત જુલાઈના છમાસિક સમયગાળા માટે કરવામાં આવી છે. સરકાર ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (AICPI-IW)ના આંકડાઓના આધારે મોંઘવારીનું મૂલ્યાંકન કરે છે અને તે જ પ્રમાણમાં ભથ્થાં વધારવાનો નિર્ણય લે છે.