દિવાળીના પાંચ દિવસીય પર્વનો ભાઈબીજ સાથે સમાપન થાય છે. દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિએ ભાઈબીજનો તહેવાર પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. ભાઈબીજને યમ દ્વિતીયા અને ભાઈ દૂજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, સ્નેહ અને અતૂટ સંબંધનું પ્રતીક છે. રક્ષાબંધનની જેમ જ ભાઈબીજના પર્વમાં પણ ભાઈ-બહેનના સંબંધને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
આ દિવસે બહેન પોતાના ભાઈને ઘરે આમંત્રિત કરીને તેનું સ્વાગત કરે છે. ત્યારબાદ ભાઈના કપાળ પર કંકુ અને ચોખાનું તિલક કરીને તેના લાંબા આયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે. પરંપરા મુજબ બહેન ભાઈને શ્રીફળ અથવા સૂકું નારિયેળ અર્પણ કરે છે અને મીઠાઈ ખવડાવે છે. બદલામાં ભાઈ પોતાની બહેનને ભેટ આપીને તેના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. આ રીતે ભાઈબીજનો તહેવાર પરિવારના સંબંધોમાં લાગણી અને આત્મીયતાનું મહત્ત્વ વધારે છે.
ભાઈબીજની ઉજવણી પાછળ એક પ્રચલિત પૌરાણિક કથા જોડાયેલી છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ તહેવારની શરૂઆત યમરાજ અને તેમની બહેન યમુનાના મિલનથી થઈ હતી. કહેવાય છે કે યમરાજ પોતાની બહેન યમુનાને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ વ્યસ્તતાને કારણે લાંબા સમય સુધી તેઓ પોતાની બહેનને મળવા જઈ શક્યા નહોતા. યમુના પણ પોતાના ભાઈને મળવા માટે આતુર રહેતાં હતાં.
એક દિવસ કારતક સુદ બીજના પવિત્ર દિવસે યમરાજ અચાનક પોતાની બહેન યમુનાને મળવા પહોંચ્યા હતા. લાંબા સમય બાદ ભાઈને ઘરે આવેલા જોઈને યમુના ખૂબ જ પ્રસન્ન થયાં હતાં. તેમણે ભાઈના સ્વાગત માટે વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરી હતી અને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું હતું. ત્યારબાદ યમુનાએ પોતાના ભાઈ યમરાજના કપાળ પર તિલક કર્યું અને મીઠાઈ ખવડાવી હતી.
બહેનના આ પ્રેમ અને આતિથ્યથી પ્રસન્ન થઈને યમરાજે યમુનાને વરદાન માગવા કહ્યું હતું. ત્યારે યમુનાએ ઇચ્છા વ્યક્ત કરી કે યમરાજ દર વર્ષે કારતક સુદ બીજના દિવસે તેમને મળવા આવે. સાથે જ તેમણે એવું વરદાન પણ માગ્યું કે આ દિવસે જે બહેન પોતાના ભાઈના કપાળ પર તિલક કરીને તેના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે, તેના ભાઈને યમરાજના આશીર્વાદ પ્રાપ્ત થાય અને ભાઈ-બહેનનો સંબંધ હંમેશાં અતૂટ રહે.
યમરાજે બહેનની આ વિનંતી સ્વીકારીને 'તથાસ્તુ' કહ્યું હતું. ત્યારથી કારતક સુદ બીજના દિવસે ભાઈબીજ ઉજવવાની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.
ભાઈબીજ માત્ર ધાર્મિક વિધિ કે પરંપરા નથી, પરંતુ ભાઈ-બહેન વચ્ચેના નિઃસ્વાર્થ પ્રેમ અને લાગણીને વ્યક્ત કરવાનો અવસર પણ છે. સમયની સાથે ઉજવણીની રીતમાં બદલાવ આવ્યો હોવા છતાં આ તહેવારનું મહત્ત્વ આજે પણ અકબંધ છે. આ દિવસે બહેન ભાઈના સુખી જીવનની કામના કરે છે, જ્યારે ભાઈ જીવનભર બહેનની પડખે ઊભા રહેવાનો સંકલ્પ વ્યક્ત કરે છે. આમ, યમરાજ અને યમુનાની કથા સાથે જોડાયેલો ભાઈબીજનો તહેવાર ભારતીય સંસ્કૃતિમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application