રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકમાં બાળ આરોપી ઉપર અમાન્ય અત્યાચાર આચરવાના કાંડે સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે ત્યારે પોલીસે ખાખી પર લગાવેલા કાળા ડાઘના જવાબદાર અધિકારીને ક્લીનચીટ આપી નાના કર્મચારીઓને આરોપી બનાવી દેવા અને જેની સામે આક્ષેપો અને લેખિતમાં નામજોગ ફરિયાદ અરજી કરવામાં આવી છે તે જ પ્રકરણની તપાસ તે અધિકારીને સોંપવી કેટલા અંશે વ્યાજબી આ પ્રશ્નોનો જવાબ શું પોલીસ કમિશનર આપશે?
પોલીસે એક બાળ આરોપીને ઉઠાવી લીધો હતો
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં 31 ઓગસ્ટના મિત્રો વચ્ચેના ઝઘડામાં યુવક પર ફરીથી હુમલો કરવાના કેસમાં ચાર બાળ આરોપી સામે ગુનો દાખલ કરી ગાંધીગ્રામ પોલીસે નૂરાનીપરામાં રહેતા એક બાળ આરોપીને ઉઠાવી લીધો હતો.
વિડિયો વાયરલ થયા બાદ આ પ્રકરણએ ચકચાર જગાવી
બાળ આરોપીને પોલીસ મથકના ડી સ્ટાફ રૂમમાં ટોર્ચરીગ કરી સફાઈ કામદાર પાસે જીવતા વાળ ખેંચાવી પોલીસમેને વિડિયો ઉતાર્યો હતો અને તે વિડિયો વાયરલ થયા બાદ આ પ્રકરણએ ચકચાર જગાવી હતી અને પોલીસ ની ખાખી વર્ધી ને ડાઘ લગાડવના બનાવમાં બે પોલીસમેનને જવાબદાર ગણી બંનેની બદલી કરી દેવામાં આવી હતી.
અરજીમાં નામજોગ ઉલ્લેખ કર્યો હતો
તો બીજી તરફ ભોગ બનનાર બાળ આરોપીના દાદી નજુબેન સતારભાઈ કાલાવડીયા એ પોતાના પૌત્ર પર અત્યાચાર ગુજારવામાં માત્ર પોલીસમેન નહીં પરંતુ તે પોલીસમેન પ્રદીપ ડાંગરને એસીપી ભારાઈએ બાળ આરોપીની હેર સ્ટાઈલ ખેચી કાઢો અને સાલાને ઠોકો તેવા આદેશ કર્યાનો અને આ અંગે કોઈને વાત કરીશ તો રાજકોટમાં રહેવા જેવો નહીં રહેવા દે તેવી ધમકીઓ આપ્યાની અરજીમાં નામજોગ ઉલ્લેખ કર્યો હતો.
કોને કોને અરજી નકલ મોકલી?
તેમજ આ અંગેની પોલીસ કમિશનર ને લેખિત અરજી કરી એસીપી રાધિકા ભારાઇ, ગાંધીગ્રામ પી.આઈ મેઘાણી, પીએસઆઇ જાડેજા, શૈલેષ ચૌહાણ, વિરુદ્ધ ફરિયાદની નકલ પોલીસ કમિશનર ઉપરાંત વડાપ્રધાન, ગૃહમંત્રી, ફરિયાદ નિવારણ સેલ ગાંધીનગર, ગૃહ મંત્રી અને રાજ્યના પોલીસવડા સહિતનાઓને નકલ રવાના કરી છે.
શું પોલીસ કમિશનર આ અંગેનો જવાબ આપશે?
તેમ છતાં આ પ્રકરણમાં માત્ર નાના કર્મચારીની બદલી અને એક કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો એટલું જ નહીં આરોપી પણ તેને જ બનાવી દેવામાં આવ્યો પરંતુ આ અત્યાચાર કરવાનો આદેશ આપનાર એસીપી સામે પગલાં લેવાનું તો દૂર રહ્યું પરંતુ જે પ્રકરણમાં તેની સામે આક્ષેપો થયા છે તેજ પ્રકરણની તપાસ તે એસીપી કઈ રીતે કરી શકે? શું પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા આ અંગેનો જવાબ આપશે?