BREAKING NEWS

સારી નોકરી ધરાવતી પત્ની ગુજરાન ભથ્થાની હકદાર નહીં: અલ્લાહાબાદ હાઈકોર્ટનું ફરમાન

  • December 13, 2025 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
અલ્લાહાબાદ હાઈકોર્ટે એક ચુકાદામાં કહ્યું છે કે, જે પત્ની સારી નોકરી ધરાવે છે અને પોતાનું ગુજરાન ચલાવવા માટે પૂરતું કમાય છે તે સીઆરપીસીની કલમ 125 હેઠળ ગુજરાન ભથ્થાની હકદાર નથી. ગૌતમ બુદ્ધ નગરના અંકિત સાહા દ્વારા દાખલ કરાયેલી રિવ્યુ પિટિશનની સુનાવણી કરતી વખતે ન્યાયાધીશ મદન પાલ સિંહે ફેમિલી કોર્ટના એ આદેશને રદ કરી દીધો જેમાં પતિને માત્ર આવક સંતુલિત કરવા અને બંને પક્ષો વચ્ચે સમાનતા લાવવા માટે પત્નીને રૂ. 5,000 ગુજરાન ભથ્થું આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જોકે પત્ની ખુદ દર મહિને રૂ. 36,000 કમાતી હતી.


હાઈકોર્ટે કહ્યું કે, પત્નીએ શરૂઆતમાં તેણે બેરોજગાર અને અભણ હોવાનો દાવો કર્યો હતો, જ્યારે વાસ્તવિક રેકોર્ડ દર્શાવે છે કે તે પોસ્ટ ગ્રેજ્યુએટ છે અને સીનિયર સેલ્સ કોઓર્ડિનેટર તરીકે પણ કામ કરી રહી છે. અરજીમાં ગૌતમ બુદ્ધ નગર ફેમિલી કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો, જેમાં તેમને પોતાની પત્નીને ગુજરાન ભથ્થું આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અરજદારે જણાવ્યું હતું કે, પત્નીએ ફેમિલી કોર્ટમાં સ્પષ્ટપણે બેરોજગાર હોવાનો દાવો કર્યો હતો, જોકે પુરાવા દર્શાવે છે કે તે પોસ્ટ ગ્રેજ્યુએટ અને વેબ ડિઝાઈનર છે અને તેને દર મહિને 36,000 રૂપિયા પગાર મળી રહ્યો છે.


કોર્ટે કહ્યું કે, સીઆરપીસીની કલમ 125 હેઠળ પત્નીને ગુજરાન ભથ્થું ત્યારે જ આપી શકાય, જ્યારે તે પોતાનું ભરણપોષણ કરવામાં અસમર્થ હોય, પરંતુ આ કેસમાં એવું નહોતું. આ કેસમાં પત્નીએ સ્વીકાર્યું હતું કે તે દર મહિને 36,000 રૂપિયા કમાય છે.


કોર્ટે કહ્યું કે, જે પત્ની પર બીજી કોઈ જવાબદારી નથી, તેના માટે આટલી રકમ ઓછી ન કહી શકાય. તેનાથી વિપરીત પતિ પર તેના વૃદ્ધ માતા-પિતાની અને અન્ય સામાજિક જવાબદારીઓ પૂર્ણ કરવાનો વધારાનો બોજ છે. કલમ 125(1)(એ) હેઠળ પત્ની તેના પતિ પાસેથી કોઈપણ ગુજરાન ભથ્થું મેળવવા માટે હકદાર નથી, કારણ કે તે એક કમાનાર મહિલા છે અને પોતાનું ભરણપોષણ કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application