જામનગર શહેર ભાજપના પ્રમુખ તરીકે માર્ચ મહીનામાં બીનાબેન કોઠારીની તાજપોશી થયા બાદ શહેર સંગઠનની ટીમ પુન: રચનાની વાટ જોવાતી હતી અને આખરે શહેર પ્રમુખની નિમણુંકના ૮ માસ બાદ હવે આગામી દિવસોમાં સંગઠન માળખાને રચવાની કવાયત શરૂ થઇ છે, આજે રાજકોટમાં સંકલનની બેઠકમાં સેન્સ પ્રક્રિયા લેવાય છે એ મુજબ હવે જામનગરમાં તા.૭ના રોજ મળનારી શહેર સંકલનની બેઠકમાં પ્રભારી મંત્રી તથા ભાજપના ધુરંધરોની હાજરી વચ્ચે ઉપપ્રમુખ, મહામંત્રીઓ, મંત્રીઓ અને ખજાનચી નીમવા માટેની એક પ્રકારની સેન્સ પ્રક્રિયા થશે જેમાં સ્વભાવીક રીતે દાવેદાવરોનો રાફળો ફાટવાની પુરેપુરી શકયતા છે.
શહેર પ્રમુખ તરીકે ભાજપની હાઇ કમાન્ડે બીનાબેન કોઠારીનું નામ જાહેર કરીને જે તે સમયે બધાને ચોંકાવી દીધા હતાં, કારણ કે એમનું નામ સંભવીતોના લીસ્ટમાં કયાંય ન હતું અને ભાજપે પોતાની સ્ટાઇલ મુજબ વધુ એક વખત સરપ્રાઇઝ આપી હતી, આ નિમણુંકથી જે તે સમયે ભાજપમાં ઘણાને ૪૪૦ વોલ્ટના ઝાટકા લાગ્યા હતાં, પરંતુ ભારતીય જનતા પાર્ટી એવી શિસ્તબઘ્ધ છે કે તેમાં વધુ ચુ-ચા કરવાની કોઇ હિંમત કરી શકે નહીં એટલે પહેલા બધા માટે કમને અને પછી બધાએ બીનાબેનને સ્વીકારવા સિવાય કોઇ રસ્તો રહ્યો ન હતો, આ પછી વર્તમાન મહામંત્રીઓ સહિતની શહેર સંગઠનની બોડીમાં ફેરફાર થશે કે રિપીટેશન થશે ? આ બધી બાબતો ચાલતી હતી, આ દરમ્યાન રાજયમાં મંત્રીમંડળના વિસ્તરણ, ગુજરાતના ભાજપ પ્રમુખની વરણી સહિતના મુદે શહેર સંગઠનમાં પ્રમુખ સિવાયની વરણીની પ્રક્રિયા અટકી ગઇ હતી, ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્ર્વકર્માની વરણી થયા પછી મંત્રીમંડળનું વિસ્તરણ થયું એટલે હવે મહાનગરના સંગઠનોને સંપૂર્ણ કરવાની પ્રક્રિયા શરૂ થઇ છે.
આજે રાજકોટમાં કમલમ ખાતે શહેર સંગઠનના દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ થઇ છે, દરમ્યાનમાં જામનગરમાં આગામી તા.૭ શુક્રવારના રોજ શહેર ભાજપ કાર્યાલય ખાતે સંકલનની બેઠક મળવાની છે જેમાં પ્રભારી મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા સહિતના નિરીક્ષકો પણ આવવાના છે, શહેર સંગઠનના પ્રમુખ સિવાયના માળખાને રચવા માટે સેન્સ જેવી પ્રક્રિયા થશે આવું પહેલી વખત થવા જઇ રહ્યું છે.
આ બેઠકમાં સાંસદ, રાજયમંત્રી, ધારાસભ્યો, મેયર સહિતના પદાધિકારીઓ, શહેર ભાજપ પ્રમુખ ઉપરાંત પૂર્વ મંત્રીઓને પણ આ વખતે એક પ્રકારની સેન્સ પ્રક્રિયામાં સાથે બેસાડવાના છે અને અંતરંગ વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ સ્વભાવીક રીતે ઉપપ્રમુખ, મહામંત્રીઓ, મંત્રીઓ તથા ખજાનચીની ખુરશીઓ માટે દાવેદારોનો રાફળો ફાટવાનો છે.
ગુજરાતના રાજકીય મેદાનમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીનો સુર્ય મઘ્યાહને તપી રહ્યો છે અને જયારે પણ કોઇ હોદા આપવાની વાત આવે ત્યારે દાવેદારોનો રાફળો ફાટતો રહે છે, ભૂતકાળમાં આપણે આ બધુ જોઇ ચુકયા છીએ.
શહેર ભાજપના સંગઠનમાં અત્યાર સુધી એક બાબત જોવા મળતી હતી કે, પ્રમુખ ઉપરાંત મહામંત્રીઓના ખભ્ભે મહત્વની જવાબદારી રહેતી હતી અને પ્રમુખના બોજને હળવો કરવા માટે આ ત્રણ ખુરશી પણ મહત્વનો ભાગ ભજવતી હતી, એટલા માટે જ મહામંત્રીઓની દોડમાં ઘણા રાજકીય દોડવીરો સામેલ થશે.
સુત્રોમાંથી એવું પણ જાણવા મળી રહ્યું છે કે, રાજયના મંત્રીમંડળમાં ભાજપની હાઇ કમાન્ડે જે રીતે યુવાઓને અને નવા ચહેરાઓન તક આપવાની નીતિ અખત્યાર કરી છે તેનું રીપીટેશન કદાચ શહેર સંગઠનની પુન: રચનામાં પણ થઇ શકે છે અને બની શકે કે યુવા તથા નવા ચહેરાઓને ઉપરોકત તમામ હોદાઓ પર તક આપવામાં આવી શકે.
જો આવું થાય તો ભાજપના હાલના ૩ મહામંત્રીઓ સહિતના હોદા પર જે લોકો છે તે તમામ ચહેરા પણ કદાચ બદલાઇ શકે અને બની શકે કે એવું પણ થાય કે ત્રણમાંથી એકાદ ચહેરાને રીપીટ પણ કરવામાં આવી શકે છે.
ભાજપમાં હોદાઓની વાત આવે એટલે સ્વભાવીક રીતે ઇચ્છુકો પોતાના બાવળામાં જેટલું બળ હોય એટલું વાપરી લેતા હોય છે એટલે ઉપરોકત હોદાઓ માટે પણ અંદરખાને લોબીંગ થઇ રહ્યું હોવાનું પણ જાણવા મળે છે, આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઘણા બધા સંકેતો પણ મળી શકે છે કે, હવે જામનગરના રાજકીય મેદાનમાં શું બદલાવ આવે છે.
રાજકારણમાં જે ઉપર દેખાતું હોય છે તે અંદર હોતું નથી અને જે અંદર હોય છે તે ઉપર દેખાતું નથી, આવા ઘણા દાખલાઓ પાછલા બે દાયકાના રાજકીય ઇતિહાસમાં આપણને મળી ચૂકયા છે. એવું નથી કે ભારતીય જનતા પાર્ટી શિસ્તબઘ્ધ પક્ષ છે એટલે તેમાં જુથવાદ હોતો નથી, આ પક્ષમાં પણ હંમેશા આપણે બે મોરચા સામસામે જોયા છે અને તેમાં કયાં મોરચાનો હાથ મજબુત છે, ઉપર રહે છે તેનો અંદાજ આપણને ત્યારે જ મળે છે જયારે આ પ્રકારની વરણીની પ્રક્રિયા થતી હોય છે.
એટલે એ જોવું પણ રસપ્રદ રહેશે કે, શહેર સંગઠનના માળખામાં ભાજપના કયાં જુથનો હાથ ઉપર રહે છે અને કોણ પોતાના મનગમતાઓને હોદા અપાવી શકે છે. અત્રે નોંધનીય છે કે, જુથવાદની વાતને ભાજપ નકારશે પરંતુ છે એ બાબત જગજાહેર છે, એટલે આ વરણી પરથી ઘણો બધો અંદાજ મળી જશે કે કોન કીતને પાની મૈ હૈ.
આમ તો આવનારી મહાનગરપાલીકાની ચૂંટણી વાસ્તવીક રીતે બળના પારખા સમાન હશે અને તેમાં ભાજપમાંથી કોણ કપાય છે, કયાં નવા ચહેરા આવે છે, કોની ચાલે છે, કોની નથી ચાલતી તેનો સ્પષ્ટ વરતારો મળશે. શહેર સંગઠનની પૂર્ણ રચનાની આ પ્રક્રિયા હાલની તકે સેમીફાઇનલ જેવી છે. જોઇએ કેટલા દાવેદારો સામે આવે છે.