BREAKING NEWS

ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધાના વિજેતાઓ જાહેર, કેટેગરીવાઇઝ રૂ.૨૫૦૦થી ૫૦૦૦ સુધીના ઇનામ અપાશે, જુઓ વિનરના નામનું લિસ્ટ

  • November 16, 2026 03:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધાના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ગ્રુપ રંગોળી કેટેગરીમાં ધૃતિ હરસોડા એન્ડ ટીમ, ઈન્ડિવિડ્યુઅલ કેટેગરીમાં અમૂલ કંજારિયા અને ડેકોરેટીવ રંગોળી સ્પર્ધામાં ઇશિતા રાચ્છ પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.


વિશેષમાં મેયર ડૉ.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ.હિરેનભાઈ ખીમણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષ ભટ્ટએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા અને ચિત્રનગરીના સંયુક્ત ઉપક્રમે શહેરમાં કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી દિવાળી કાર્નિવલ દરમ્યાન રેસકોર્ષ ફરતે ભવ્ય રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૨૬૮થી વધુ કલાકારો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, યુવાનો અને કલા રસિકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કલાત્મક પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.


સ્પર્ધામાં ભાગ લેનાર કલાકારોએ ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા, રાષ્ટ્રીય એકતા, પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અભિયાન, મહિલા સશક્તિકરણ, શિક્ષણ, સામાજિક જાગૃતિ, પ્રકૃતિપ્રેમ સહિતના વિવિધ વિષયો પર આકર્ષક રંગોળીઓ તૈયાર કરી હતી. પરંપરાગત રંગોળી શૈલીની સાથે આધુનિક કલાત્મક અભિગમનો પણ સુંદર સમન્વય જોવા મળ્યો હતો.


રંગોનું આકર્ષક સંયોજન, બારીક નકશીકામ, નવીન ડિઝાઇન અને વિષયની સુંદર રજૂઆતથી સમગ્ર વાતાવરણ કલામય બની ગયું હતું. દરેક રંગોળીમાં કલાકારોની મહેનત, ધીરજ, એકાગ્રતા અને સર્જનાત્મકતાની ઝલક જોવા મળી હતી. કલાકારોએ રંગોળીના માધ્યમથી પોતાની લાગણીઓ અને વિચારોને જીવંત કર્યા હતા.


સ્પર્ધામાં રજૂ થયેલી રંગોળીઓનું મૂલ્યાંકન નિર્ણાયકો દ્વારા વિષયની પસંદગી, કલાત્મક અભિવ્યક્તિ, રંગોનું સંયોજન, નવીનતા, સ્વચ્છતા, બારીકાઈ અને સમગ્ર રજૂઆત જેવા વિવિધ માપદંડોને આધારે કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સુંદર કૃતિઓ રજૂ થતાં શ્રેષ્ઠ કૃતિઓની પસંદગી કરવી નિર્ણાયકો માટે પણ પડકારજનક બની હતી.


આ આયોજનને સફળ બનાવવા ચિત્રનગરીના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ ગોટેચા, મૌલિકભાઈ ગોટેચા, સુરેશભાઈ રાવલ, મુકેશભાઈ વ્યાસ, રશેશભાઈ વ્યાસ, હરદેવસિંહ વાઘેલા, વિવેક પોરિયા, દિગીશ વડોદરિયા, શિવમ અગ્રવાલ, ભૂષણ સંપટ, જયશ્રીબેન રાવલ, હેમાલીબેન વ્યાસ, સીમાબેન અગ્રવાલ, વિશાલભાઈ જોશી, રશ્મિ વાઘેલા, દ્રષ્ટિ કટારીયા, ભક્તિ ખરસાણી, રિતિક મેહતા અને અરંગ સોલંકી સહિત સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.


રંગોળી સ્પર્ધાના નિર્ણાયક તરીકે આસિતભાઈ ભટ્ટ, પ્રદીપભાઈ દવે, એમ. યુ. ચૌહાણ, વલ્લભભાઈ પરમાર, નલીનભાઈ સૂચક, ચૈતન્યભાઈ વ્યાસ, મુકેશભાઈ ડોડિયા અને મુકેશભાઈ ત્રિવેદીએ સેવા આપી હતી.


રાજકોટ મહાનગરપાલિકા અને ચિત્રનગરી દ્વારા યોજાયેલી આ સ્પર્ધા શહેરના કલાકારોને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે એક સુંદર મંચ પૂરો પાડવાની સાથે નવા કલાકારોને પ્રોત્સાહન આપવાનો પ્રશંસનીય પ્રયાસ બની રહી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ કલાકારો, નિર્ણાયકો, આયોજકો અને સહયોગીઓના સહકારથી આ આયોજન કલાત્મક ઉત્સવ બની રહ્યો હતો.


વિજેતા સ્પર્ધકોના નામ-ઇનામ જાહેર કરાયા

-ગ્રુપ રંગોળી કેટેગરી

પ્રથમ ત્રણ વિજેતા ટીમને રૂ. ૫,૦૦૦ના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.


૧. ધૃતિ હરસોડા અને ટીમ

૨. માહી અકબરી અને ટીમ

૩. શક્તિરાજ જાડેજા અને ટીમ


-ઇન્ડિવિડ્યુઅલ રંગોળી કેટેગરી

આ વિભાગના પાંચેય વિજેતાઓને પ્રત્યેકને રૂ. ૫,૦૦૦નો રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

૧. અમુલ કંજારિયા

૨. રોનક માલી

૩. મૈત્રી વેકરીયા

૪. જીજ્ઞેશ ધોળકિયા

૫. દર્પણ ધોળકિયા


-ડેકોરેટિવ રંગોળી કેટેગરી

આ વિભાગના પાંચેય વિજેતાઓને પ્રત્યેકને રૂ. ૨,૫૦૦નો રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

૧. ઈશિતા રાચ્છ

૨. સ્વાતી જીવરાની

૩. ક્રિશ બડેલિયા

૪. શ્યામ પટેલ

૫. કપિલ સોમૈયા





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application