માવઠાના મારથી ભાંગી પડેલા ખેડૂતો માટે રુ. 10,000 કરોડનું કૃષિ સહાય પેકેજ સરકારે જાહેર કર્યું છે. માવઠા વખતે ખેતરમાં પડેલા પાથરા ઉપાડી લેવાયા છે અને ખેતરો ચોખ્ખા કરી દેવાયા છે. શિયાળાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને વાતાવરણ પણ રવિ પાક માટે અનુકૂળ હોવાથી મોડે મોડે પણ ખેડૂતોએ શિયાળુ વાવેતરની શરૂઆત કરી દીધી છે. ગુજરાત સરકારના કૃષિ વિભાગના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ ગઈકાલ સુધીમાં 2.72 લાખ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે જે ગયા વર્ષે અત્યારની સ્થિતિએ 3 લાખ હેક્ટરનું હતું.
મગફળીના પાથરા ખેતરોમાંથી ઉપાડી લેવાયા છે પરંતુ ખેતરોમાં હજુ ભેજનું પ્રમાણ વધારે છે. સાથોસાથ ઠંડી પણ પડી રહી છે. આ બંને બાબતો શિયાળુ પાકના વાવેતર માટે સારી હોવાથી ખેડૂતોએ ખેતરો તૈયાર કરી વાવેતર શરૂ કરી દીધું છે. 15 દિવસ દરમિયાન હજુ ઠંડી વધશે અને તેના કારણે વાવેતર વિસ્તારમાં પણ વધારો થશે.
ગયા વર્ષે અત્યારની સ્થિતિએ ઘઉં નું વાવેતર 7604 હેક્ટરમાં હતું તે આ વખતે વધીને 9,859 હેક્ટરમાં થયું છે. ઘઉં ને ઉગાડવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી હોવું જરૂરી છે જે આ વખતે પૂરતા જથ્થામાં ઉપલબ્ધ છે.
ઘઉનો વિકલ્પ જે ખેડૂતો શોધી રહ્યા હતા તેમણે આ વખતે ઘઉંના બદલે ચણામાં વધુ વાવેતર કર્યું છે, ચણામાં આ વખતે અત્યાર સુધીમાં 37,100 હેક્ટરમાં વાવેતર થયું છે જે ગયા વર્ષની સરખામણીએ અઢી ગણું વધારે છે. આવી જ રીતે મકાઈ અને જુવાર જેવા જાડા ધાન્યના વાવેતર તરફ પણ ખેડૂતો વળ્યા છે, ગયા વર્ષ કરતાં આ વર્ષે 7000 હેક્ટર વધુમાં તેનું વાવેતર થયું છે. આ વખતે જાડા ધાન્યનું વાવેતર કુલ 24052 હેક્ટરમાં થયું છે.
રાયડાના વાવેતરમાં ખેડૂતોને જાણે રસ ઘટી ગયો હોય તેમ ગયા વર્ષે 75834 હેક્ટરમાં વાવેતર થયું હતું. જે આ વખતે 58707 હેક્ટરમાં વાવેતર થયું છે.આવી જ રીતે જીરુંના ભાવ પણ ઓછા મળતા હોવાના કારણે તેનો વાવેતર વિસ્તાર માત્ર 3716 હેક્ટરનો રહ્યો છે.
ધાણા, લસણ, સુવા, ઇસબગુલ, વરીયાળી જેવા પાકનું હજુ સુધી ખાસ વાવેતર થયું જ નથી અને ઠંડીનું પ્રમાણ વધ્યા પછી તેના વાવેતરની શરૂઆત થવાની શક્યતા છે. ડુંગળીના ભાવ અત્યારે ઘણા ઓછા છે તે જોતા આ વખતે ડુંગળીના વાવેતરમાં ખેડૂતો શું કરે છે તે જોવાનું રહેશે. બટેટામાં પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી ગયા વર્ષ કરતાં આ વર્ષે તેનું વાવેતર વધુ હોવાનું ખેતીવાડી વિભાગના અધિકારીઓ જણાવે છે. બીજી બાજુ શાકભાજી અને ઘાસચારાનુ વાવેતર પણ ઓછું હોવાનું એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જણાવે છે.