રાજકોટમાં ઉત્તરાયણ પર્વ રકતરંજિત બન્યું હતું. મૂળ કલાવાડના નાની વાવડી ગામના વતની સાવન રમણીકગીરી ગોસ્વામી(ઉ.વ. ૨૫) નામના યુવાનની સહકાર મેઇન રોડ પર મેઘાણીનગરના ખૂણા પાસે છરીના ૧૭ જેટલા ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. યુવાન રાજકોટમાં વર્ષા ગઢવી નામની મહિલા સાથે લગ્ન વગર પતિ જેમ રહેતો હતો બાદમાં બંને વચ્ચે ડખ્ખો થતા અલગ થઇ ગયા હતાં આ મહિલા અને તેના મિત્રએ મળી યુવાનને વેંતરી નાંખ્યો હતો. જે અંગે મૃતકના પિતાની ફરિયાદ પરથી ભકિતનગર પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓને સકંજામા લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.
હત્યાના આ બનાવ અંગે રમણીકપરી નારણપરી ગૌસ્વામી(ઉ.વ.૬૩ રહે.નાની વાવડી , જુની ખરાવાડ તા.કાલાવડ) દ્વારા ભકિતનગર પોલીસ મથકમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે વર્ષા ગોપાલભાઇ ગઢવી અને દર્શન ઉર્ફે ભુદેવના નામ આપ્યા છે.
વૃધ્ધે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ફરસાણની લારી કાઢી વેપાર કરે છે. તેમજ રાત્રીના સમયએ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગ્રામ રક્ષક દળ (જી.આર.ડી.) તરીકે ફરજ બજાવે છે. સંતાનમાં ત્રણ દિકરીઓ તથા બે દિકરા છે.પુત્ર સાવન (ઉ.વ.૨૫) રાજકોટમાં રહી અને છુટક મજુરી કામ કરે છે. સાવને દોઢ-બે વર્ષ પહેલા વર્ષા ગોપાલભાઇ ગઢવીનુ ઘર માંડેલ હતુ અને તે ઘનશ્યામનગરમાં આ વર્ષા ગઢવી સાથે રહેતો હતો.બન્ને લગ્ન વગર પતિ-પત્ની તરીકે સાથે રહેતા હતા છેલ્લા ચારેક મહીનાથી સાવન તથા વર્ષા બન્નેને મનમેળ ન રહેતા બન્ને અલગ-અલગ રહેવા લાગેલ હતા.
દોઢેક મહીના પહેલા ફરિયાદીને વર્ષા ગોપાલભાઇ ગઢવીનો ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે, તમારા દિકરા સાવનને તમે સમજાવો અહીં મારી સાથે સરખી રીતે રહેતો નથી અને મને છરી મારી દિધેલ હતી આમ કહી બેફામ સાવન વિરૂધ્ધમાં બોલી હતી. આ વાત થયેલ તેના લગભગ આઠેક દિવસ બાદ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો કોલ કરનારે પોતે રાજકોટથી દર્શન ભુદેવ બોલે છે તેમ કહી ઓળખાણ આપેલ અને આ ભુદેવએ કોઇ મોટી ઉંમરના મહીલા સાથે વાત કરાવેલ ત્યારે આ મહીલાએ ફરિયાદી સાથે વાત કરી કહેલ કે મારી દિકરી વર્ષાને તમારો દિકરો સાવન બહુ જ હેરાન કરે છે તેને સમજાવો, તેના થોડા દિવસ પછી ફરી પાછો આ દર્શન ઉર્ફે ભુદેવનો ફોન આવ્યો હતો અને ત્યારે દર્શન ઉર્ફે ભુદેવ જેમ ફાવે તેમ બોલી અને તમારા દિકરા સાવનને સમજાવો વર્ષાનો પીછો છોડી દયે નહીતર છરીના ઘા મારી દેવા પડશે તેમ કહી ધમકી આપી હતી.
દરમિયાન ગઇકાલે સાંજના સાડા પાંચ-છએક વાગ્યાના અરસામાં વૃધ્ધને પોલીસનો ફોન આવેલ અને મને જાણ કરેલ કે સાવનને રાજકોટમાં સહકાર રોડ ઉપર ગણેશ પાન કોલ્ડ્રીંકસની પાસે જય ભવાની સર્વિસ સ્ટેશન પાસે મેઘાણીનગરના ખુણા પાસે છરીઓના ઘા મારી દિધેલ છે અને તેને સારવાર માટે સીવીલ હોસ્પીટલએ લઇ ગયેલ છે તમે તાત્કાલીક આવી જાવ આમ વાત કરતા વૃધ્ધ ગામથી અહીં રાજકોટ આવવા નીકળેલ અને આઠેક વાગ્યાના અરસામાં રાજકોટ આવેલ અને ત્યારબાદ સીવીલ હોસ્પીટલએ ગયેલ ત્યાથી દિકરા સાવનને પોસ્ટ મોર્ટમ રૂમ ઉપર લઇ ગયેલનુ જાણવા મળેલ. બાદમાં દિકરાની લાશ જોતા સાવનને શરીરે પેટમાં, છાતીના ભાગે, પડખાના ભાગે, વાસાના ભાગે, ખંભાના ભાગે. હાથના બાવળાના ભાગે, માથામાં, કપાળે સહીતની જગ્યાએ કુલ ૧૬-૧૭ જેટલી ઇજાઓ છરી જેવા હથીયારથી ઘા મારેલ હોય તેવુ જોવા મળ્યું હતું.
બાદમાં ફરિયાદીને જાણ થઇ હતી કે, તેમના પુત્ર સાવનને ગઇકાલે બપોરના સાડા ચારેક વાગ્યાના અરસામાં સહકાર રોડ ઉપર આ મારો દિકરો સાવન જે વર્ષાબેન ગોપાલભાઇ ગઢવી અને દર્શન ઉર્ફે ભુદેવ બન્નેએ મળી છરીના આડેઘડ ઘા મારી હત્યા કરી છે.બનાવને લઇ ભકિતનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયાની રાહબરી હેઠળ ટીમે આરોપીઓને સકંજમાં લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.
છરીના ઘા મારી દઇશ, યુવાનના પિતાને આપેલી ધમકી સાચી ઠરી
આરોપી દર્શન ઉર્ફે ભુદેવે સાવનના પિતાને ફોન કરી જેમ ફાવે તેમ બોલી અને તમારા દિકરા સાવનને સમજાવો વર્ષાનો પીછો છોડી દે નહીંતર છરીના ઘા મારી દેવા પડશે તેમ કહી ધમકી આપી હતી. આ ઘમકી આરોપીઓએ સાચી ઠેરવી સાવનને છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતાં.
સાવને છેલ્લે પિતાને ફોન કરી રૂપિયાની જરૂર હોવાનું કહ્યુંં હતુ
વૃધ્ધને તેના પુત્ર સાવને છેલ્લે જયારે ફોન કર્યો હતો ત્યારે કહ્યું હતું કે, હુ કાલાવડ આવેલ છુ અને મારે થોડા રૂપીયાની જરૂરીયાત છે. પરંતુ તે સમયે વૃધ્ધ પાસે રૂપીયાની સગવડ ન હોય જેથી સાવનને મારી પાસે રૂપીયા નથી તેમ વાતચીત કરતા સાવન રૂબરૂ મળી શકેલ ન હતો.