માંગરોળન રહીજ ગામે પોલીસ ભરતીની તૈયારી માટે વહેલી સવારે દોડમાં નીકળેલા મહિલાને બાઈક ચાલકે ઠોકરે લેતા ગંભીર ઈજાઓ થતા સારવાર માટે જુદી જુદી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડાતા તેમનું ચાલુ સારવારે મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. ભાભી-નણંદ બંને સાથે દોડવા માટે નીકળ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. બનાવ અંગે બાઈક ચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો છે.
મૃતકને સંતાનમાં એક પુત્ર
બનાવની પ્રાપ્ત વિગત મુજબ માંગરોળના રહીજ ગામે રહેતા જલ્પાબેન ગોવિંદભાઈ સોલંકી (ઉ.વ.30)ના પરિણીતા ગત તા.19ના રોજ નણંદ હેતલ બેન સાથે સવારે છએક વાગ્યે ઘરેથી દોડવા માટે નીકળ્યા હતા દરમિયાન કલ્યાણધામ વૃદ્ધાશ્રમ પાસે પહોંચતા જીજે-11-બીજી-6130 નંબરના બાઈક ચાલકે પુરપાટ ઝડપે બાઈક હંકારી જલ્પાબેનને ઠોકરે લેતા તેમને ગંભીર ઈજાઓ થઇ હતી. અકસ્માત સર્જી બાઈક ચાલક નાસી છૂટ્યો હતો. સાથે રહેલા નણંદે ભાઈને ફોન કરતા જ તુરંત દોડી આવ્યા હતા અને પત્નીને તાકીદે પ્રથમ જૂનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવતા ચાલુ સારવારે દમ તોડી દીધો હતો, બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માંગરોળ પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી, મૃતકને સંતાનમાં એક પુત્ર છે. અકસ્માત સર્જનાર બાઈક ચાલકની શોધખોળ હાથ ધરી છે.