BREAKING NEWS

ગોંડલ ચોકડી નજીક રસ્તો ઓળંગતી વખતે ડમ્પરની ઠોકરે મહિલાનું મોત

  • December 04, 2025 04:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં પ્રવેશવા માટેની ચારેય ચોકડી પર બેફામ દોડતા ડમ્પરો સહિતના વાહનોના કારણે અનેક જીવલેણ અકસ્માતોમાં નિર્દોષોની જિંદગી હોમાઈ રહી છે એમ છતાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા માત્રને માત્ર ડ્રાઈવ દરમિયાન આમ જનતા ઉપર જ દંડનો દંડો પછાડી કાયદાનો ડર બતાવવામાં આવી રહ્યો છે. પરંતુ ભારે વાહનો ઉપર કાર્યવાહી દેખાવ પૂરતી જ કરવામાં આવી રહી છે. જેને લઈને ડમ્પર સહિતના ભાર વાહક વાહનો પુરપાટ ઝડપે હંકારી લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. ગઈકાલે ગોંડલ ચોકડી નજીક વધુ એક નિર્દોષ મહિલા ડમ્પરની ઠોકરે ચડી જતા ગંભીર ઈજાઓ થવાથી મોત નીપજ્યું હતું.


પ્રાપ્ત વિગત મુજબ લાલપરી વિસ્‍તારમાં રહેતી સોનલબેન ભાવિનભાઈ સોલંકી (ઉ.વ.૨૨) નામની પરિણીતા ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે આજી વસાહતમાં રહેતા પિતાના ઘરેથી પોતાના ઘરે જવા માટે નીકળા હતા ત્યારે ગોંડલ રોડ ચોકડી પાસે રસ્તો ઓળંગતી વખતે પૂરપાટ ઝડપે આવેલા ડમ્પરે સોનલબેનને ઠોકરે લેતા ગંભીર ઈજાઓ થઇ હતી. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા અને કોઈએ 108ને જાણ કરતા તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દીધો હતો. બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃતક સોનલબેન મુળ ગોંડલની વતની હતા અને બે ભાઇ બે બહેનમાં મોટા હતા. લગ્ન થયાને એક વર્ષ જેટલો સમય થયો હતો. અકસ્માત સર્જનાર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application