રાજકોટ મહાપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બ્રાન્ચના ચીફ પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં તા.૧-૧૧-૨૦૨૫ના રોજ રૈયા ટ્રાન્સફર સ્ટેશન ખાતે એક પ્રશંસનીય ઘટના બની હતી. વોર્ડ નં.૨ના બજરંગવાડી વિસ્તારમાં રહેતી એક વૃદ્ધ મહિલાએ અજાણતા તેમના રૂ.૬૦,૦૦૦ની રોકડ રકમ કચરા સાથે ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે જતા ટીપરવાન (નં.જીજે ૦૩ બીએક્સ, ૬૯૪૬)માં નાખી દીધા હતા. વિસ્તારના મકાન માલિક અલ્તાફભાઈએ ઘટનાની જાણ થતાં તુરંત જ રૈયા ટ્રાન્સફર સ્ટેશનનો સંપર્ક કરી માહિતી આપી હતી. સ્ટેશન ખાતે ફરજ ઉપર હાજર સ્ટાફએ તાત્કાલિક ટીપરવાન રોકાવી તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમ્યાન ગાડીમાંથી ઉપરોક્ત રકમ મળી આવી હતી.
રકમ સુરક્ષિત રીતે શોધી કાઢી
માનવતા અને ઇમાનદારીનું ઉદાહરણ પૂરું પાડતાં ગાડી ડ્રાઈવર સુખરામ વસુનીયા તથા હેલ્પર ધીરૂભાઈ વાણીયાએ રકમ સુરક્ષિત રીતે શોધી કાઢી અને તે પૈસાના હકદાર અલ્તાફભાઈને પરત કર્યા હતા. આ કામગીરી બદલ અલ્તાફભાઈએ ગાડી ડ્રાઈવર સુખરામ વસુનીયા તથા હેલ્પર ધીરૂભાઈ વાણીયા, તેમજ હાજર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો અને તમામને અભિનંદન આપ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ગાડી ડ્રાઈવર સુકરામ તથા હેલ્પર ધીરૂભાઈ, તેમજ હાજર સ્ટાફને સર્ટીફીકેટ આપી સન્માનિત કરતા જણાવ્યું હતું કે, રકમના માલિક અલ્તાફભાઈને પૈસા પરત આપતાં ઈમાનદારી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજકોટ મનપા દ્વારા આવા ઇમાનદારીપૂર્ણ કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી. સ્વચ્છતા સેવકોના આવા ઉદાહરણો શહેરના નાગરિકોમાં વિશ્વાસ અને પ્રેરણા જન્માવે છે.