‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવા અને મહિલા સાહસિકોને પ્રોત્સાહન આપવા ત્રિ-દિવસીય 'સશક્ત નારી મેળા - ૨૦૨૫'નું આયોજન
તા.૨૨ થી તા.૨૪ ડિસેમ્બર સુધી યોજાનાર મેળાને રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા ખુલ્લો મુકાશે
જામનગર તા.૧૯ ડિસેમ્બર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત' અને મહિલા-નેતૃત્વ વિકાસના વિઝન સાથે સુસંગત રહીને સમગ્ર ગુજરાતમાં મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા અને તેમને સશક્ત કરવાના ઉદ્દેશ્યથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જામનગર જિલ્લામાં તા.૨૨/૧૨/૨૦૨૫ થી તા.૨૪/૧૨/૨૦૨૫ દરમિયાન ત્રણ દિવસ માટે સવારે ૧૦:૦૦ વાગ્યાથી રાત્રીના ૧૦:૦૦ વાગ્યા સુધી જે.એમ.સી. ગ્રાઉન્ડ, મહાવીર પાર્ક, ઓસવાળ-૩, જામનગર ખાતે ભવ્ય “સશક્ત નારી મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે.
આ મેળામાં જિલ્લાની મહિલા ઉદ્યોગ સાહસિકો, લખપતિ દીદીઓ, સ્વસહાય જૂથો, મહિલા ખેડૂતો, સહકારી સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સ દ્વારા પાયાના સ્તરે કરવામાં આવતા પરિવર્તનકારી ઇનોવેશન અને ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે.જેને રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા ખુલ્લો મુકાશે.
મેળાનું મુખ્ય આકર્ષણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત હેન્ડીક્રાફ્ટ, હેન્ડલુમ, ફૂડ પ્રોડક્ટ, ઓર્ગેનિક અને હર્બલ વસ્તુઓ, જામનગરની પ્રખ્યાત બાંધણી, ઇમીટેશન જ્વેલરી, આયુર્વેદિક પ્રોડક્ટ્સ, અગરબત્તી, પેચવર્ક, ડ્રેસ મટિરિયલ તથા ઘર સુશોભનની અવનવી ચીજવસ્તુઓ રહેશે.
આ ઉપરાંત, સ્વાદપ્રિય જનતા માટે અથાણા, પાપડ અને ખાખરા જેવી હાથબનાવટની ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ પણ કરવામાં આવશે. મહિલા સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન અને સ્વદેશી મૂલ્યો પર કેન્દ્રિત આ મેળો આર્થિક ભાગીદારીને વેગ આપશે અને અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે, તો નગરજનોને આ મેળાની મુલાકાત લેવા જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા ખાસ અનુરોધ કરાયો છે.