BREAKING NEWS

યમદ્વિતીયા એટલે કે યમરાજ અને ચિત્રગુપ્તની કૃપા પ્રાપ્તિનો અવસર, જાણો દીર્ઘાયુષ્ય માટેની ધાર્મિક વિધિ

  • November 11, 2026 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કારતક સુદ બીજ એટલે ભાઈબીજનો પવિત્ર તહેવાર. સામાન્ય રીતે આ દિવસ ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહના પર્વ તરીકે ઓળખાય છે, પરંતુ ધાર્મિક દૃષ્ટિએ તેનું વિશેષ મહત્ત્વ પણ છે. આ તિથિને યમદ્વિતીયા તરીકે ઓળખવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, મૃત્યુના દેવતા યમરાજ આ દિવસે પોતાની બહેન યમુનાના ઘરે ભોજન કરવા ગયા હતા. બહેનના આતિથ્યથી પ્રસન્ન થઈને યમરાજે વરદાન આપ્યું હતું કે આ દિવસે જે ભાઈ પોતાની બહેનના ઘરે જઈને ભોજન કરશે, તેને યમલોકની યાતનાઓથી મુક્તિ મળશે. ત્યારથી આ દિવસ ભાઈબીજ તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.

જોકે, આ પર્વ માત્ર ભાઈ-બહેનના સંબંધ પૂરતું સીમિત નથી. આ દિવસે ધર્મરાજ યમરાજ અને તેમના અધિકારી ચિત્રગુપ્તની પૂજા કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર, કારતક સુદ બીજના દિવસે યમરાજ અને ચિત્રગુપ્તની આરાધના કરવાથી પરિવારના સભ્યોને સ્વાસ્થ્ય, સુખાકારી અને દીર્ઘાયુષ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

યમરાજની કૃપા મેળવવા આ રીતે કરો પૂજા

ધાર્મિક માન્યતા અનુસાર યમરાજ મૃત્યુના દેવતા હોવાની સાથે ધર્મના રક્ષક પણ છે. તેમની કૃપા મેળવવા માટે વ્યક્તિએ હંમેશાં નીતિ અને ધર્મના માર્ગે ચાલવું જોઈએ. આ ઉપરાંત ભાઈબીજના દિવસે સંધ્યાકાળે એક વિશેષ ધાર્મિક વિધિ કરવાની પરંપરા પણ છે.
1.    ભાઈબીજના દિવસે સાંજે માટીના નાના કળશમાં શુદ્ધ જળ ભરીને ઘરના મુખ્ય દરવાજાની ડાબી બાજુએ મૂકવો.
2.    આ કળશ ઉપર સરસવના તેલનો ચાર મુખવાળો દીવો પ્રગટાવવો.
3.    પરિવારના તમામ સભ્યોના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે યમરાજને પ્રાર્થના કરવી.
4.    બીજા દિવસે એટલે કે કારતક સુદ ત્રીજના દિવસે કળશમાં રહેલા જળનો ઘરના દરેક ખૂણામાં છંટકાવ કરવો.
માન્યતા અનુસાર, આ ધાર્મિક વિધિ કરવાથી યમદેવ પરિવારના સભ્યોને સ્વસ્થ અને દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપે છે.

ચિત્રગુપ્તની પૂજામાં કલમનું વિશેષ મહત્ત્વ

યમરાજની જેમ જ ભાઈબીજના દિવસે ચિત્રગુપ્તજીની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર ચિત્રગુપ્તજી દરેક જીવના કર્મોનો હિસાબ રાખે છે. વ્યક્તિએ જીવનમાં કેટલાં પુણ્ય અને કેટલાં પાપ કર્મો કર્યા છે તેનો હિસાબ તેમની પાસે હોય છે. તેથી યમદ્વિતીયાના દિવસે ચિત્રગુપ્તજીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.

ચિત્રગુપ્તજીની પૂજા માટે પૂર્વ દિશામાં બાજોઠ ગોઠવી તેના પર સફેદ વસ્ત્ર પાથરવામાં આવે છે. ત્યારબાદ ચોખાથી સાથિયો બનાવી ચિત્રગુપ્તજીનું સ્મરણ કરવામાં આવે છે. ઘીનો દીવો પ્રગટાવી તેમને ફૂલ અને મીઠાઈ અર્પણ કરવામાં આવે છે.

પૂજામાં કલમનું વિશેષ મહત્ત્વ હોવાથી ચિત્રગુપ્તજીને એક નવી કલમ અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ સફેદ કાગળ પર આ કલમથી 'શ્રી ગણેશાય નમઃ' લખવામાં આવે છે. સાથે જ 'ૐ ચિત્રગુપ્તાય નમઃ' મંત્રનો 11 વખત જાપ અથવા લેખન કરવામાં આવે છે. સાંજના સમયે આ કાગળને પૂજાસ્થળે સ્થાપિત કરવામાં આવે છે.
​​​​​​​
કલમ સાચવી રાખવાની પણ છે પરંપરા
ધાર્મિક માન્યતા અનુસાર, ચિત્રગુપ્તજીને અર્પણ કરેલી કલમને આખું વર્ષ સાચવી રાખવી શુભ માનવામાં આવે છે. વર્ષ દરમિયાન કોઈ નવા શુભ કાર્યની શરૂઆત કરતી વખતે આ કલમનો ઉપયોગ કરવાથી જ્ઞાન, બુદ્ધિ અને સફળતાની પ્રાપ્તિ થાય તેવી શ્રદ્ધા છે. આમ, ભાઈબીજનો પર્વ ભાઈ-બહેનના પ્રેમની ઉજવણીની સાથે યમરાજ અને ચિત્રગુપ્તની આરાધના કરીને પરિવારના સુખ, સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્યની કામના કરવાનો પણ વિશેષ અવસર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application