BREAKING NEWS

ગુજરાતના તાત પર ફરી આફતના વાદળો મંડરાયા, આજે છ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો ક્યાં પડશે માવઠું

  • February 24, 2026 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં હાલ ઋતુચક્ર જાણે ખોરવાયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. શિયાળાની વિદાય અને ઉનાળાના પ્રારંભ વચ્ચે મેઘરાજાએ પધરામણી કરતા રાજ્યભરમાં 'મિશ્ર ઋતુ'નો અનુભવ થઈ રહ્યો છે. ૨૩ ફેબ્રુઆરીના રોજ અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ (માવઠું) ખાબકતા જનજીવન પ્રભાવિત થયું હતું, જ્યારે આજે ૨૪ ફેબ્રુઆરીએ પણ હવામાન વિભાગે કેટલાંક વિસ્તારોમાં 'યલો એલર્ટ' જાહેર કર્યું છે.


અમદાવાદમાં મોડી રાત સુધી ઝાપટાં

અમદાવાદ શહેરમાં ગઈકાલે દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સાંજ પડતા જ અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. એસ.જી. હાઈવે, સિંધુ ભવન રોડ, ગોતા અને ચાંદલોડિયા જેવા વિસ્તારોમાં વરસાદે રસ્તા ભીના કર્યા હતા. મોડી રાત્રે પણ પ્રહલાદનગર, સરખેજ અને જીવરાજપાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. આજે વહેલી સવારથી જ શહેરમાં ગાઢ ધુમ્મસ અને ઠંડા પવનને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો હતો, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.


રાજ્યના અન્ય જિલ્લાઓની સ્થિતિ

માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ ભરૂચ, ગાંધીનગર, મહીસાગર અને અમરેલીમાં પણ કમોસમી વરસાદે હાજરી પુરાવી છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે કડુ, ઓળક અને માલિકામાં મોડી રાત્રે પવન સાથે વરસાદ પડ્યો હતો.


આજની આગાહી: ૬ જિલ્લામાં યલો એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે પણ રાજ્યના ૬ જિલ્લાઓમાં માવઠાની પ્રબળ શક્યતા છે:

સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર

છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ


આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા, સુરત, તાપી અને નર્મદામાં પણ વાવાઝોડા જેવી સ્થિતિ સાથે હળવા ઝાપટાં પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ આકાશ વાદળછાયું રહેશે.


તાપમાનનો પારો અને ઠંડીનું જોર

હવામાન વિભાગના મતે, આજથી વાતાવરણ ધીમે-ધીમે શુષ્ક બનશે. જોકે, તાપમાનમાં હજુ પણ વધ-ઘટ જોવા મળશે. બપોરના સમયે મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે રાત્રિના સમયે લઘુત્તમ તાપમાન ૧૮થી ૨૦ ડિગ્રી વચ્ચે રહેશે. આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનું જોર ફરી થોડું વધી શકે છે.


ખેડૂતોમાં ચિંતાની લહેર

અચાનક આવેલા આ કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. રવિ પાક, ખાસ કરીને જીરું, ઘઉં અને રાયડાના પાકને આ માવઠાથી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. એક તરફ ગરમીની શરૂઆત થઈ રહી છે અને બીજી તરફ વરસાદી માહોલને કારણે ખેતરોમાં તૈયાર થયેલો પાક બગડવાની શક્યતાએ ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News