યુઝર્સના અનુભવને વધુ સારો બનાવવા માટે Instagram એક નવી સુવિધાનું પરીક્ષણ કરી રહ્યું છે, જેનાથી યુઝર્સ રીલ્સ અને એક્સપ્લોર સેક્શનને પોતાની પસંદગી મુજબ કસ્ટમાઇઝ કરી શકશે. આ ફીચરના આગમનથી તમારો એપ ચલાવવાનો અનુભવ સંપૂર્ણપણે બદલાઈ જશે. આનો અર્થ એ છે કે Instagram પર તમને હવે એ જ કન્ટેન્ટ દેખાશે, જે તમે ખરેખર જોવા માંગો છો.
ફીડ પર હવે તમારું નિયંત્રણ
કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય યુઝર્સને તેમના એલ્ગોરિધમનો સીધો કંટ્રોલ આપવાનો છે. આ માટે કંપનીએ 'Your Algorithm' સેક્શન લૉન્ચ કર્યો છે. આ સેક્શનમાં યુઝર્સને દેખાશે કે Instagram તેમને કયા વિષયોમાં રસ ધરાવતા સમજે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, યુઝર્સને આ સેક્શનમાં પોતાના મનપસંદ ટોપિક્સ ઉમેરવા અને જે વિષયોમાં રસ નથી તેવા ટોપિક્સને દૂર કરવાની સંપૂર્ણ આઝાદી મળશે. આનાથી સ્પષ્ટ થાય છે કે Instagram એલ્ગોરિધમ હવે તમને નહીં, પરંતુ તમે તેને તમારા હિસાબે કંટ્રોલ કરી શકશો.
ટૂંક સમયમાં રોલઆઉટ
Instagram ના વડા એડમ મોસેરી એ થ્રેડ્સ પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે હાલમાં આ ફીચર ચૂંટેલા યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે. કંપની હાલમાં માત્ર કેટલાક યુઝર્સ સાથે આ ફીચરનું પરીક્ષણ કરી રહી છે અને તેમના તરફથી મળેલા ફીડબેકના આધારે તેમાં સુધારો કરવામાં આવશે. યુઝર્સનો અનુભવ સકારાત્મક જણાયા પછી, આ ફીચરને બધા માટે ધીમે ધીમે રોલઆઉટ કરવામાં આવશે, જોકે તેની સત્તાવાર તારીખ હજુ સ્પષ્ટ નથી.
પહેલા રીલ્સ, પછી એક્સપ્લોરની વારી
કંપની શરૂઆતમાં આ ફીચરને રીલ્સ માટે રજૂ કરવાની તૈયારીમાં છે, જેથી યુઝર્સ તેમના વીડિયો ફીડને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકે. રીલ્સ પછી કંપની આ ફીચરને એક્સપ્લોર ટેબ માં આપવાની પણ યોજના બનાવી રહી છે. આ સુવિધા તમારા એપ વાપરવાના અનુભવને સંપૂર્ણપણે પરિવર્તિત કરી દેશે.