રાજકોટની ભાગોળે જ નહીં પરંતુ હવે સીટી વિસ્તારમાં પણ જીવલેણ અકસ્માતમાં નિર્દોષ માનવ જિંદગી મૃત્યુના મુખમાં હોમાઈ રહી છે, એમ છતાં સરકાર અને પોતાના ટાર્ગેટ પુરા કરવામાં પાવરધી ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્ર માત્ર તમાશો જોઈ રહ્યું છે. દિવસને ને દિવસે અકસ્માતની હારમાળા સર્જાઈ રહી છે પરંતુ ચોક્કસ કાર્યવાહીના નામે મીંડું છે.
ગઈકાલે શહેરમાં વધુ એક અકસ્માતમાં 27 વર્ષીય યુવતિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જયુબેલી ચોકમાં સાઇકલ સવાર યુવતિને બેફામ દોડતી લકઝરી બસે અડફેટે લેતા ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું છે. બનાવના પગલે જૂનાગઢના બસ ચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના દીવાનપરા શેરી નં-1, ચંદનવીલા મકાનની સામે રહેતી ફાતેમા તુરબભાઈ માકડા (ઉ.વ.27)ની યુવતિ ગત રાત્રીના નવેક વાગ્યે સાઈકલ લઈ જયુબેલી ચોક તરફ જઈ રહી હતી ત્યારે એઆર-06-સી-9494 નંબરની હરીધા ટ્રાવેલ્સ નામની ખાનગી બસના ચાલકે પુરપાટ ઝડપે બસ હંકારી સાઇકલને ઠોકર મારતા યુવતિ આગળના જોટામાં આવી જતા ગંભીર ઈજાઓ થઇ હતી. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઇ જતા કોઈએ 108ને જાણ કરતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યાં સારવાર કારગત નીવડે પહેલા જ મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો હતો.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ફાતેમાના પિતા ઘણા વર્ષો પહેલા અવસાન પામ્યા હોવાથી કાકા સબીરભાઈ અકબરઅલી માકડા સાથે રહી રઘુવીર પરામાં રિલાયન્સ મોબાઈલ સર્વિસ નામની દુકાનમાં નોકરી કરતી હતી. બનાવના પગલે પોલીસે મૃતકના કાકા સબીરભાઈની ફરિયાદ પરથી બસના ચાલક સાગર હરેશભાઇ ભાદરકા સામે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં આઠ જેટલા જીવલેણ અકસ્માત રાજકોટની હદમાં થયા છે. આ જોતા ટ્રાફિક પોલીસ અને આરટીઓની રોડ સેફટી અને ટ્રાફિક નિયમનની ખોખલી કામગીરી કેવી છે એ જોઈ શકાય છે.