BREAKING NEWS

જસદણના લોહીયાનગર પુલ પાસે યુવાન પર છરી વડે હુમલો

  • October 07, 2025 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જસદણના લોહીયાનગરના પુલ પાસે યુવાન પર આડેધડ છરીના ઘા ઝીંકતા ગંભીર રીતે ઘવાયેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.યુવાનનું મિત્રનુ સમાધાન કરવવા જતા તેના પર આ હુમલો કરવામાં આવ્યો હતો.

બનાવ અંગે જસદણના પાળિયાવાળી શેરીમાં રહેતાં સાવનભાઈ મનસુખભાઈ હિરપરા (ઉં.વ.૨૫) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કરણ ભનુ પરમાર (રહે.જસદણ) નું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ખેતી કામ કરે છે.ગઈ તા.૫ ના સાંજના સાડા નવ વાગ્યાની આસપાસ એકટીવા લઈ જસદણ બજારમાં નીકળેલ અને માંડવરાય હોસ્પિટલ નીચે મિત્ર જય ઉર્ફે ગોપી તથા કરણ કનુભાઈ પર બોલાચાલી કરતા હતા જેથી બંનેને સમજાવેલ બાદ ત્યાંથી જતો રહેલ હતો અને સરદાર ચોકમાં ગયો હતો.

ત્યારે કરણ પરમારનો ફોન આવેલ અને જણાવેલ કે ગોપી સાથે મારે સમાધાન કરવું છે તું લોહીયાનગરના પુલ પાસે આવ જેથી યુવાન ત્યાં ગયો હતો. તેવામાં કરણ પરમાર દોડીને આવેલ અને તેના હાથમાં રહેલ છરી લઈને મારવા દોડેલ અને પ્રથમ છરીના ઘા મારવા જતાં છરી પકડી લીધેલ જેથી છરીનો ઝટકો મારતા હાથના આંગળીના ભાગે લાગી જતા લોહી નીકળવા લાગેલ હતું.

બાદમાં બાવડામાં છરી મારતા લાંબો કાપો પડી ગયેલ જેથી ભાગવા જતા એક છરીનો ઘા પીઠના ભાગે તથા પડખામાં ઝીંકી દિધેલ હતો. તેમજ મિત્ર નરેન્દ્ર વચ્ચે પડતા તેને કરણ પરમારે બે ફડાકા મારેલ હતાં. બાદમાં આજુબાજુના લોકો આવી જતાં આરોપી નાસી છૂટ્યો હતો. બાદમાં ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application