સાધુ વાસવાણી રોડ પર રહેતા યુવાનને તારે અહીંથી ગાડી લઈને નીકળવું નહીં કહી ગાળો આપી લાફા ઝીંકી મારમાર્યો હતો. બાદમાં આ શખસોએ યુવાનના ઘર પાસે ધસી જઈ તેના માતા-પિતાને ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે
બનાવ અંગે સાધુ વાસવાણી રોડ પર વિશ્વકર્મા સોસાયટી શેરી નં.2 માં રહેતા રઘુભાઈ નનુભાઈ ચાવડા(ઉ.વ 25) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પ્રદીપ મનુભાઈ બારૈયાનું નામ આપ્યું છે. યુવાને જણાવ્યું હતું કે, તે કંપનીમા ડ્રાઈવીંગ તેમજ કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઈ કામદાર તરીકેનું કામ કરે છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગત તા. ૧૫/૦૧/૨૦૨૬ ના રોજ રાત્રીના એક વાગ્યે તે ઘરની બાજુમા આવેલા લખીમાસીનો ચોક, નટરાજનગર, સાધુવાસવાણી રોડ ખાતે એકલો ચાલવા નીકળ્યો હતો. ત્યારે તેના વિસ્તારમા રહેતા પ્રદિપ મનુભાઈ બારૈયા જે યુવાનના મામાના દીકરા વિશાલ સાથે ગાઢ મિત્રતા ધરાવતો હોય તે ગાડી લઈને બેઠો હતો. યુવાન અવાર નવાર તેના શેઠ સુનીલભાઈની ગાડી લઈને ઘરે જમવા જતો હોય તે પ્રદીપને ન ગમતા અવાર નવાર તું ઉંચામા છો તેમ કહી ચીડવતો હતો અને અવાર નવાર તારે અહીંથી ગાડી લઈને નિકળવુ નહી નહિંતર સારાવાટ રહેશે નહીં તેવી ગર્ભીત ધમકી આપતો હતો.
દરમિયાન યુવાન વોકિંગ કરતો હોય ત્યારે પ્રદીપ તેની પાસે આવી ગાળો દેવા લાગ્યો હતો. તેણે કહ્યું હતું કે, તારે અહીંથી નીકળવુ નહીં, તને ના તો પાડી છે કહી ફડાકા માર્યા બાદ ઢીકાપાટુનો માર માર્યો હતો. દરમિયાન યુવાનનો મિત્ર રોહીતભાઈ વાલ્મીકી અને ઓમભાઈ આવી જતાં તેણે વધુ મારથી બચાવેલ હતો. જેથી યુવાન ઘરે ચાલ્યો ગયેલ હતો.
યુવાને વધુમાં જણાવ્યું હતું કે, તે ઘરે પરત ફરી મારા માતા-પિતાને બનાવ અંગે જાણ કરતો હતો ત્યારે પ્રદીપ ઘર પાસે ધસી આવી તેના માતા-પિતાને ગાળો આપી ખૂનની ધમકી આપવા લાગતા યુવાને 112 હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો પણ પોલીસ આવે તે પૂર્વે પ્રદીપ નાસી ગયેલ હતો. જેથી યુવાને આ અંગે ફરિયાદ નોંધાવી છે.