BREAKING NEWS

દિવાળીએ જ પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવ્યો, ટ્રકનું ટાયર માથા પર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત

  • October 20, 2025 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર કાંગશીયાળી પાસે ટ્રકે બાઈકને હડફેટે લીધા બાદ બાઇકમાં પાછળ બેઠેલો જુનાગઢનો યુવાન રોડ પર પટકાયો હતો.દરમિયાન આ ટ્રકનું ટાયર યુવાનના માથા પરથી ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બાઈકચાલક તેના મિત્રને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બંને મિત્રો મેટોડામાં કંપનીમાં કામ કરતા હોય અને કામ પુરૂ કરી પરત ઘરે જુનાગઢ જતા હતા ત્યારે અકસ્માતની આ ઘટના બની હતી. યુવાનની ફરિયાદ પરથી શાપર પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જૂનાગઢમાં કડીયાવાસ વિસ્તારમાં રહેતો વિનોદ પ્રવીણભાઈ વાળા (ઉ.વ 23) તથા જૂનાગઢમાં ગણેશનગર ગાર્ડન કાફેની બાજુમાં રહેતો મૂળ રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર પુનિતનગર પાસેના વિસ્તારનો વતની નિકુંજ અશોકભાઈ વાઘ (ઉ.વ 24) બંને મિત્રો બાઇક લઈને રાજકોટથી જુનાગઢ જતા હતા, નિકુંજ બાઇક ચલાવતો હતો. દરમિયાન સવારના દસ વાગ્યા આસપાસ રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર સીમા એગ્રો ચેન કારખાના સામે રોડ પર પહોંચતા પાછળથી આવતા ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. જેથી બાઈક ચાલક નિકુંજ અને તેનો મિત્ર વિનોદ બંને રોડ પર ફંગોળાયા હતા. જેમાં ટ્રકનું ટાયર વિનોદના માથા પરથી પરથી ફરી વળતા તેને ગંભીર ઈજા પહોંચી હતી કોઈએ 108 ને જાણ કરી દેતા 108 ની ટીમ પહોંચી હતી અને વિનોદને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. જ્યારે નિકુંજને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવવાને લઇ શાપર પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવાનના મૃતદેહને પીએમ માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો.


અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, નિકુંજ અને તેનો મિત્ર વિનોદ બંને મેટોડામાં કંપનીમાં નોકરી કરતા હતા અને બંને સાથે બાઈક પર અહીં નોકરીએ જતા હતા. ગઈકાલે તેઓ રાજકોટથી જુનાગઢ પરત જતા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. અકસ્માતમાં મોતને ભેટનાર વિનોદ પ્રવીણભાઈ વાળા ચાર ભાઈના પરિવારમાં વચેટ હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવાન નિકુંજ અશોકભાઈ વાઘની ફરિયાદ પરથી શાપર પોલીસે ટ્રક નંબર જીજે 18 એએકસ 5887 ના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application