BREAKING NEWS

અનહદ પ્રેમ કરવા છતાં પ્રેમિકાને પામી ન શકતા યુવકે ઝાડમાં લટકી જઈ જિંદગી ટૂંકાવી

  • February 02, 2026 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં દિવસેને દિવસે વધતા આત્મહત્યાના બનાવો જોઈ રાજકોટ સ્યુસાઇડ સીટી બની ગયું હોય તેમ કહેવું વધુ અતિશિયોક્તિ નથી, 24 કલાકમાં બે યુવક અને એક પરિણીતાએ અમૂલ્ય જિંદગીને જુદા જુદા કારણોવસ ટૂંકાવી લેતા ત્રણેયના પરિવારોમાં ઘેરો શોક છવાયો છે. કુવાડવા રોડ પર આવેલી કંપનીમાં કામ કરતો યુવક પ્રેમિકાને અનહદ પ્રેમ કરવા છતાં પામી ન શકતા ઝાડમાં દોરડું બાંધી જિંદગી ટૂંકાવી લીધી હતી. જ્યારે વિરાણી સ્કૂલ પાછળ સર્વોદય સોસાયટીમાં દોઢ વર્ષ પૂર્વે છુટ્ટાછેડા થયેલા યુવકે ઘરે જ ફાંસો ખાઈ જીવ દઈ દીધો હતો. ત્રીજા બનાવમાં બે માસુમ બાળકોને મૂકી શિવધારા સોસાયટીમાં પરણિતાએ પેટ પર ઇંટ બાંધી ભો ટાંકામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.

(1) કુવાડવા રોડ પર આવેલી મેરી ગોલ્ડ કંપનીના રૂમમાં રહી ત્યાંજ કામ કરતો રામજી અશ્વિનભાઈ વાનાણી (ઉ.વ.19) નો મૃતદેહ કંપનીના કમ્પાઉન્ડમાં આવેલા ઝાડ સાથે લટકતી હાલતમાં વહેલી સવારે શ્રમિકોને જોવા મળતા સુપરવાઈઝર સહિતને જાણ કરતા દોડી આવ્યા હતા અને 108ને જાણ કરતા 108ના ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરતા સાથી કર્મીઓમાં ગમગીની છવાઈ હતી. બનાવની જાણ કુવાડવા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. આપઘાત કરનાર યુવકને યુવતી સાથે પ્રેમ સબંધ હોય જેથી બંનેએ પરિવારને જાણ કરી હતી પરંતુ યુવતીના પરિવારે લગ્નની ના પાડતાં યુવક લગ્ન નહિ થાય તેવી ચિંતામાં સુનમુન રહેતો હતો. લગ્ન નહીં થાય એ ચિંતા પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

(2) વિરાણી સ્કૂલ પાછળ આવેલી સર્વોદય સોસાયટી શેરી નંબર-5માં રહેતો વિશાલ ગોવિંદભાઈ ભડેલીયા (ઉં.વ 24)એ રવિવારે બપોરે ઘરે હતો ત્યારે રૂમમાં પંખામાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારના સભ્ય રૂમમાં જોવા જતા યુવકને લટકતી હાલતમાં જોઈ દેકારો કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી હતી. પરંતુ યુવકનું બેભાન હાલતમાં જ મોત થયું હતું. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવના પગલે એ-ડિવિઝન પોલીસના સ્ટાફે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર યુવક કાચનો વેપારી હતો. અને દોઢ વર્ષ પહેલા તેમના છૂટાછેડા થઈ ગયા હતા, હાલમાં ક્યાં કારણોસર પગલું ભર્યું એ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.

(3) મવડીમાં આવેલી શિવધારા સોસાયટી શેરી નંબર-2 માં રહેતા ચંદ્રિકાબેન રવિભાઈ કપુરીયા (ઉં.વ. 35)ની પરિણીતાએ રવિવારે સવારે પોતાના ઘરે બે ચુંદડી વડે પોતાના પેટ પર મોટી ઇંટ બાંધી ફળિયામાં આવેલા ભો ટાંકામાં ઝંપલાવ્યું હતું. પરિવારજનોએ ટાંકામાં જોતા તાકીદે ફાયર અને 108ને જાણ કરી હતી. તાકીદે ફાયરના જવાનો સ્થળ પર આવી પરિણીતાને બેભાન હાલતમાં ટાંકામાંથી બહાર કાઢી 108ના ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરી પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર

ચંદ્રિકાબેનના લગ્ન થયાને 10 વર્ષ જેટલો સમય થયો છે. સંતાનમાં નવ વર્ષની પુત્રી અને સાત વર્ષનો પુત્ર છે, ક્યાં કારણસર આ પગલું ભર્યું તે જાણવા પોલીસ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application