શહેરના ગુંદાવાડીમાં આવેલી પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલમાં તાવ આવતા દાખલ થયેલા યુવકને હાથમાં સોઈ રહી જવાથી તબિયત લથડતા ઓપરેશન કરી સોઈ કાઢવામાં આવી હતી. જે બાદ વધુ તબીયત બગડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું.પરિવારે તબીબી બેદરકારીના આક્ષેપો કરતા પોલીસે ફોરેન્સિક પીએમ કરાવી મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના માંડાડુંગર નજીક ભીમરાવનગર-1માં રહેતો ગોપાલ નારણભાઈ જાદવ (ઉ.વ.28)ના યુવકને તાવ આવતો હોવાથી તા.30-11ના રોજ ગુંદાવાડી ખાતે આવેલી પદ્મકુંવરબા હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો ત્યાં દાખલ કરી બાટલા ચડાવવામાં આવ્યા હતા. સારું થઇ જતા રજા આપવામાં આવી હતી અને ઘરે ગયા બાદ ઝાડા ઉલ્ટી સહિતની તકલીફ થવા લાગતા ફરી તા. ૨/૧૨ના રોજ પદ્મકુંવરબા હોસ્પિટલમાં દાખલ થયો હતો. બે દિવસ સારવાર આપવામાં આવ્યા બાદ રજા આપી દેવાતા ઘરે ગયા પછી હાથમાં દુઃખાવો રહેતો હોય તપાસ કરતાં હાથમાં સોઇ રહી ગયાનું જોવા મળતા ફરી પદ્મકુંવરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ફરજ પરના તબીબે ઓપરેશન કરી સોઇ કાઢવી પડશે તેમ કહેતાં ઓપરેશન કરાવામાં આવ્યું હતું. જે બાદ રજા લઈ ઘરે ચાલ્યા જતા ગત તા.૧ના તબિયત લથડતા ફરી પાછો પદ્મકુંવબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ત્યાં વધુ પડતી તબિયત બગડી જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગઈકાલે રાત્રીના ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃતક ગોપાલ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને કારખાનામાં કામ કરતો હતો.
પરિવારજનોએ પદ્મકુંવારમાં હોસ્પિટલના તબીબોની બેદરકારી હોવાનો આક્ષેપ કરી રોષ ઠાલવ્યો હતો. આજીડેમ પોલીસે ફોરેન્સિક પીએમ કરાવી યુવકનું મોત ક્યાં કારણોસર થયું એ જાણવા રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. યુવકના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application