60 લાખ થશે તેવી વાત કરી....નીટની પરીક્ષામાં પાસ કરાવવાના બહાને યુવાન પાસેથી 30 લાખ ખંખેર્યા, વાંચો કેવી રીતે ખેલ પાડ્યો

  • May 06, 2025 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નીટમાં પાસ કરાવી દેવાના બહાને પૈસા ખંખેરતી ગેંગનો પર્દાફાશ થયો છે. આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં જેતપુરના યુવાનની ફરિયાદ પરથી ધોરાજી રાજકોટ અને કર્ણાટકના શખસ સહિત પાંચ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. યુવાનના પુત્રને એમબીબીએસ હોમીઓપેથી આયુર્વેદિકની પ્રવેશ પરિક્ષામાં સારા માર્ક અપાવવાનું કહી આ ટોળકીએ રૂ. 30 લાખ ખંખેરી લીધા હતા. હાલ પોલીસ દ્વારા આ ટોળકી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે. ટોળકીએ આ પ્રકારે વધુ કેટલાક યુવાનોને ખંખેરી લીધા હોવાની શંકા સેવાઇ છે.ત્યારે પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાંચે આ કૌભાંડ અંગે જેતપુરના અમરનગર રોડ પર આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતાં તુષારભાઈ અરવિંદભાઈ વેકરિયા (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી ધોરાજીની કલ્યાણ સોસાયટીમાં રહેતા રાજેશ હરિભાઈ પેથાણી, રાજસ્થાનના ઉદયપુરના ધવલ સંઘવી, રાજકોટના વિપુલ મૂળશંકર તેરૈયા તેના ભાઈ પ્રકાશ અને કર્ણાટકના બેલગાંવના મનજિત જૈન સામે છેતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે.​​​​​​​


60 લાખ થશે તેવી વાત કરી

તુષારભાઈ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2024 માં મારો પુત્ર દ્વિજ રોયલ એકેડમી કાલાવડ રોડ રાજકોટમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હોય અને મારે તેને એમબીબીએસ હોમીઓપેથી આયુર્વેદિકની મેડિકલ એન્ટ્રેસ (નીટ) ની પરીક્ષામાં સારા માર્ક અપાવવા હોય જે બાબતે મેં રોયલ એકેડમી સ્કૂલના ચેરમેન રાજેશ પેથાણીને વાત કરતા તેણે કહ્યું હતું કે હું એક ભાઈને ઓળખું છું કે જે આવી પરીક્ષાઓમાં વધારે માર્ક અપાવવાનું કામ કરી આપે છે અને તેના માટે 60 લાખ થશે તેવી વાત કરી રાજેશ પેથાણીએ મને ધવલ સંઘવી સાથે ફોન ઉપર વાત કરાવી હતી.


કોઈપણ પ્રકારના સેટિંગ વગર ફરિયાદીના પુત્રને 460 માર્ક આવ્યા હતા

ધવલને કહેલ કે મારાથી આટલા બધા રૂપિયા થઈ શકે તેમ નથી જેથી તેણે કહ્યું હતું કે તમે અત્યારે દસ લાખ રૂપિયાની સગવડતા કરી રાખો બાદમાં વધઘટ હું મારી રીતે જોઈ લઈશ. દીકરાના ભવિષ્યને લઈ રૂપિયા આપવાનું નક્કી કરી રાજેશ પેથાણીને રાજકોટ ખાતે એપ્રિલ 2024 માં 10 લાખ રોકડા આપ્યા હતા. બાદમાં એપ્રિલના છેલ્લા વિકમાં રૂપિયા 20 લાખ રાજેશ પેથાણીને રોકડા આપ્યા હતા આમ ફરિયાદી રાજેશ પેથાણી મારફતે ધવલ સંઘવીને રૂપિયા 30 લાખ આપ્યા હતા. ધવલ સંઘવીના કહેવા મુજબ અમારા દીકરાનું બેલગાંવ કર્ણાટક ખાતે પરીક્ષા સેન્ટર આવે એટલે જ્યારે અમે મારા દીકરાનું મેડિકલ એડ્રેસ પરીક્ષા ફોર્મ ભરેલ ત્યારે બેલગામનું કરંટ એડ્રેસ બતાવેલ હતું. વર્ષ 2024 ની મેડિકલ એન્ટ્રેસ પરીક્ષા આપવા માટે મારો દીકરો બેલગામ ગયો પરંતુ ફરિયાદીને ધવલભાઈની વાત પર વિશ્વાસ ના આવતા પુત્રને તેની રીતે જ પરીક્ષા આપવા સમજાવ્યો હતો. જેથી કોઈપણ પ્રકારના સેટિંગ વગર ફરિયાદીના પુત્રને 460 માર્ક આવ્યા હતા.


પૈસા પરત ન આપતા અંતે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી 

પુત્રને સારા માર્ક આવ્યા ન હોય તેથી ફરિયાદીએ રાજેશભાઈ પેથાણી પાસેથી રૂપિયા 30 લાખ પરત માંગતા મને ઉપરથી પરત આવે એટલે તમને આપી દઈશ તેવી વાત કરી હતી. બાદમાં અલગ અલગ વાયદાઓ આપી રાખ્યો હતો પરંતુ આજદિન સુધી પૈસા પરત ન આપતા અંતે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.​​​​​​​

ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે

નીટની ઇન્ટરેસ્ટ એક્ઝામમાં સારા માર્ક અપાવવાના બહાને શ્રમિક સાથે થયેલી આ છેતરપિંડી અંગે ક્રાઈમ બ્રાન્ચે આ ટોળકીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ પ્રકારે વધુ કેટલાક પાસેથી નાણાં ખંખેર્યા હોવાની શંકા છે. ત્યારે પોલીસ દ્વારા આ કૌભાંડ અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application