ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને ઉમેદવારોની શારીરિક કસોટી લેવામાં આવી રહી છે. ત્યારે ગોધરામાં એક યુવાન માટે પોલીસ ભરતીની શારીરિક કસોટી જીવલેણ સાબિત થઈ છે. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલા એસ.આર.પી. ગ્રુપ-પાંચના મેદાનમાં આયોજિત પોલીસ ભરતીની દોડ દરમિયાન 27 વર્ષીય યુવકનું શ્વાસ ચડવાથી કરૂણ મોત નિપજ્યું હતું. હૃદયદ્રાવક બાબત એ છે કે આ સમગ્ર ઘટના તેના પિતાની આંખો સામે જ બની હતી, જે પોતાના દીકરાને ઉત્સાહ આપવા માટે મેદાનમાં હાજર હતા.
આ દુઃખદ ઘટનાનો ભોગ બનનાર યુવકનું નામ જશપાલસિંહ રાઠવા હતું. તે છોટાઉદેપુર જિલ્લાના કોલીયારી ગામનો રહેવાસી હતો અને પોલીસમાં ભરતી થઈને પરિવાર તેમજ ગામનું નામ રોશન કરવાનું સ્વપ્ન જોઈ રહ્યો હતો. આજે વહેલી સવારે ગોધરાના એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે પોલીસ ભરતી માટે રનિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. દોડ દરમિયાન જશપાલસિંહ અચાનક શ્વાસ ચડતાં જમીન પર ઢળી પડ્યો હતો.
દીકરાને દોડતો જોવા અને તેને પ્રોત્સાહન આપવા માટે હાજર રહેલા પિતાની સામે જ પુત્ર ઢળી પડતાં તેઓ પણ આઘાત આવી ગયો હતો. ઘટનાસ્થળે હાજર ભરતી સ્ટાફ અને અન્ય ઉમેદવારોએ તાત્કાલિક મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. જશપાલસિંહને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પુત્રના અચાનક નિધનથી પિતા અને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ ગોધરા એ-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે તેમજ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને મૃત્યુના ચોક્કસ કારણ અંગે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તારણ મુજબ યુવકનું મોત શ્વાસ ચડવા અથવા હૃદય સંબંધી સમસ્યાના કારણે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભરૂચ જિલ્લામાં પણ પોલીસ ભરતી દરમિયાન દોડતી વખતે એક યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. વારંવાર પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન આવી દુઃખદ ઘટનાઓ સામે આવી રહી હોવાથી ઉમેદવારોની તબીબી તપાસ, આરોગ્ય ચકાસણી અને તાત્કાલિક સારવાર વ્યવસ્થાઓ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. યુવાઓના સપનાઓ આવી રીતે અચાનક તૂટી જતાં સમાજમાં પણ ભારે સંવેદના અને ચિંતા જોવા મળી રહી છે.