ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાનો દોર સતત જારી છે, ત્યારે આમ આદમી પાર્ટી (આપ) સાથે છેડો ફાડનાર યુવા નેતા રાજુ કરપડાએ ગાંધીનગર કમલમ ખાતે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે. રાજુ કરપડાના ભાજપ પ્રવેશની સાથે જ રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર પણ શરૂ થઈ ગયો છે. તેમના પૂર્વ સાથી અને જેલવાસ દરમિયાન સાથે રહેલા આપ નેતા પ્રવીણ રામે આ ઘટનાક્રમ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, જેલમાં જ ખેડૂત આંદોલનનો સોદો કરી નાખવામાં આવ્યો હતો.
માત્ર રાજુ કરપડા જ નહીં, પરંતુ તેમની સાથે અમૃત મકવાણા, નીતિન પટેલ, કે. ડી. ઝાલા, રાજેન્દ્ર સિંહ રાઠોડ અને ધીરુભાઈ મેલાલિયા જેવા અન્ય અગ્રણી નેતાઓએ પણ ભાજપનો સાથ સ્વીકાર્યો છે. આ નેતાઓના જોડાવાથી ભાજપનું સંગઠન વધુ મજબૂત બનશે તેમ માનવામાં આવે છે.
રાજુ કરપડાએ ભાજપમાં જોડાવાનું કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, તેઓ એક મોટા સ્વપ્ન સાથે રાજકીય પાર્ટીમાં જોડાયા હતા. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોનું એક મજબૂત સંગઠન બનાવવાનો હતો. ભૂતકાળમાં હડદડવાળી ઘટનામાં જેલવાસ ભોગવનાર કરપડાએ ઉમેર્યું કે, ખેડૂતોના પ્રશ્નો માટે તેઓ હંમેશા મજબૂત અવાજ બન્યા છે. જોકે, હવે તેમને સમજાયું છે કે માત્ર સત્તા પક્ષનો વિરોધ કરવાથી ખેડૂતોનું હિત સાધી શકાશે નહીં. ખેડૂતોની સમસ્યાઓના કાયમી ઉકેલ માટે સત્તા પક્ષમાં રહીને કામ કરવું જરૂરી છે.
ભાજપની નીતિઓના વખાણ કરતા રાજુ કરપડાએ જણાવ્યું કે, સરકારમાં જોડાઈને તેઓ પોતાના વિસ્તારના કિસાનોને સમૃદ્ધિ તરફ લઈ જઈ શકશે. તેમણે સ્વીકાર્યું હતું કે ખેડૂતોની સ્થિતિ સંપૂર્ણ સુધરી ગઈ છે એવું નથી, પરંતુ ભાજપ સરકાર દ્વારા કમોસમી વરસાદના નુકસાન સામે જે 10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, તે ખેડૂતોના હિતમાં લેવાયેલો મોટો નિર્ણય છે. જેલવાસના સમયનો ઉલ્લેખ કરતા તેમણે માર્મિક રીતે કહ્યું કે, "જેલવાસ દરમિયાન મને બ્રહ્મજ્ઞાન થયું છે," જેના કારણે તેમણે સત્તા સાથે રહીને ખેડૂતોના સપના સાકાર કરવાનો માર્ગ પસંદ કર્યો છે.
આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરતા તેમણે કહ્યું કે, તેઓ કોઈ પણ ટિકિટની માંગણી કરવાના નથી. ચૂંટણી લડવી કે નહીં અથવા કોને ટિકિટ આપવી તે અંગેનો સંપૂર્ણ નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ પર છોડ્યો છે. બીજી તરફ, પ્રવીણ રામના આક્ષેપોને કારણે આ પક્ષપલટો ચર્ચાનો વિષય બન્યો છે. કરપડાના આ નિર્ણયથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના કિસાન સંગઠનો પર કેવી અસર પડશે તે જોવું રહ્યું.