રાજકોટ મહાપાલિકાના ભાજપના કોર્પોરેટરની બિભત્સ ચેટ વાયરલ થતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. વોર્ડ નં.૧૮માં ભાજપમાં ચાલતા જૂથવાદ વચ્ચે કોઈએ ખેલ પાડી દીધો હોવાનું કાનોકાન ચર્ચાઇ રહ્યું છે.
વિશેષમાં મહાપાલિકાના વર્તુળોમાં ચર્ચાતી વિગતો અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વોર્ડ નં.૧૮ના ભાજપના કોર્પોરેટર સંજયસિંહ રાણાએ કોઇ મહિલા કાર્યકર્તા સાથે કરેલી ચેટ વાયરલ થઇ છે જેમાં બિનસંસદિય શબ્દ પ્રયોગો છે. સૌપ્રથમ વોર્ડમાં ત્યારબાદ ભાજપના અન્ય વર્તુળોમાં આ ચેટના સ્ક્રીન શોટ ફરતા થતા આશ્ચર્ય સર્જાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નં.૧૮ કોઠારીયામાં લાંબા સમયથી ભાજપના બે જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ ઉપરાંત વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓના કામો મામલે અનેક વખત લોક આંદોલન, ચક્કાજામ અને ઘેરાવ જેવા કાર્યક્રમો પણ થયા હતા.