BREAKING NEWS

ગરબામાં હવે લક્ઝરીનો તડકો: પર્સનલ સર્વિસ સાથે VIP ટેબલનો ખર્ચ 1.21 લાખ રૂપિયા, જાણો વધુ વિગત

  • October 06, 2026 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવરાત્રીમાં ગરબાની પરંપરાગત મજા હવે લક્ઝરી અનુભવ સાથે જોડાઈ રહી છે. ભીડભાડ, પાર્કિંગની મુશ્કેલી, લાંબી લાઈનો અને બેઠક માટેની દોડધામથી બચવા માટે આયોજકો દ્વારા પ્રીમિયમ પેકેજ રજૂ કરવામાં આવ્યા છે. આ પેકેજમાં વેલેટ પાર્કિંગ, વીવીઆઈપી બેઠક, ખાસ એન્ટ્રી, ફૂડ, બટલર સર્વિસ, પર્સનલ ફોટોગ્રાફર અને પગની મસાજ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ માટે પ્રતિ રાત્રિ રૂ.14 હજારથી લઈને વીઆઈપી ટેબલ માટે રૂ.1.21 લાખ સુધીનો ખર્ચ થઈ શકે છે.


વડોદરામાં અનેક મોટા ગરબા આયોજકોએ પ્રીમિયમ પેકેજ શરૂ કર્યા છે. લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબામાં પ્રીમિયમ પેકેજની કિંમત સામાન્ય દિવસોમાં આશરે રૂ.10,620 અને વીકએન્ડ તથા આઠમની રાત્રે રૂ.14,750 છે. તેમાં પ્લેયર પાસ, આરતીમાં પ્રવેશ, વીવીઆઈપી બેઠક, ખાસ એન્ટ્રી, રિઝર્વ પાર્કિંગ, ફૂડ વાઉચર અને ગેસ્ટ રિલેશનશિપ એક્ઝિક્યુટિવ જેવી સુવિધાઓ સામેલ છે.


આ પેકેજ ખાસ કરીને વડોદરા બહારથી આવતા લોકોમાં લોકપ્રિય થઈ રહ્યું છે. આયોજકોના જણાવ્યા મુજબ, ઘણા લોકો માત્ર એક-બે દિવસ માટે પરંપરાગત ગરબાનો અનુભવ લેવા આવે છે અને તેમને સ્થળ પરની દોડધામથી દૂર પ્રીમિયમ અનુભવ આપવામાં આવે છે.


વડોદરાના કંકુ પગલા ગરબાએ પણ લક્ઝરી સુવિધાઓમાં વધારો કર્યો છે. અહીં વેલેટ પાર્કિંગ, ઝડપી એન્ટ્રી અને ખાસ ફોટો સ્પોટ ઉપલબ્ધ છે. 10 લોકો માટેનું વીઆઈપી ટેબલ રૂ.1.21 લાખમાં મળે છે. તેમાં પ્લેયર પાસ, બટલર સર્વિસ, પર્સનલ ફોટોગ્રાફર અને ફૂડનો સમાવેશ થાય છે. આયોજકોના જણાવ્યા મુજબ ગુજરાત બહારથી આવતા લોકો અને એનઆરઆઈમાં આ પ્રકારની સુવિધાઓને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.


વડોદરા વાઈબ્રન્ટ નવરાત્રી  દ્વારા રૂ.25,000નું એલિટ પેકેજ પણ રજૂ કરવામાં આવ્યું છે. તેમાં એલિટ ટાવરમાં બેઠક, ફૂડ, વીઆઈપી પાર્કિંગ અને ચાર યુનિસેક્સ પ્લેયર પાસ મળે છે. જ્યારે કોર્પોરેટ પેકેજમાં 15 પ્લેયર પાસ, ઓડિયન્સ પાસ અને બે વીઆઈપી પાર્કિંગ સ્લોટ સામેલ છે.


અમદાવાદમાં પણ લક્ઝરી ગરબાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સફેદ પરીંદેના પ્રીમિયમ ગરબા અનુભવમાં નિયમિત પાસ રૂ.15,000 પ્રતિ વ્યક્તિ છે, જ્યારે 10 લોકો માટેનું ગેઝેબો પેકેજ રૂ.2.75 લાખનું છે, એટલે કે પ્રતિ વ્યક્તિ રૂ.27,500. તેમાં ઘરેથી પિકઅપ-ડ્રોપ, પર્સનલ સિક્યુરિટી, પ્રાઈવેટ ડાઈનિંગ, કોફી, ગેઝેબોમાં ફૂટ મસાજ અને ગુડીઝ બેગ જેવી સુવિધાઓ આપવામાં આવશે. સફેદ થીમ આધારિત આ કાર્યક્રમમાં ફ્લાવર શાવર, પ્રીમિયમ ડેકોર અને ખાસ ફોટો ઝોન પણ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application