BREAKING NEWS

અમદાવાદમાં સગાઈ તોડી નાખતા મંગેતરે પથ્થરથી માથું છૂંદી 17 વર્ષની સગીરાની ક્રૂર હત્યા કરી

  • February 12, 2026 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદ શહેરમાં પ્રેમસંબંધ અને શંકાના મુદ્દે એક કરૂણ બનાવ સામે આવ્યો છે. ગઈકાલે રાત્રે કાંકરિયા તળાવના ગેટ નંબર સાત નજીક એક યુવકે 17 વર્ષની સગીરાની નિર્દયતાથી હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આરોપી મહંમદ આવેઝ પઠાણે સગીરાને કોટા સ્ટોનના ધારદાર અણીવાળા પથ્થરથી માથું છૂંદી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બનાવ બાદ આરોપી મણિનગર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ સરેન્ડર થયો હતો.


બે દિવસ પહેલાં જ સગાઈ તોડી

મૃતક સગીરા ગોમતીપુર વિસ્તારમાં રહેતી હતી અને તેની મહંમદ આવેઝ પઠાણ સાથે સગાઈ થઈ હતી. જોકે, પરિવારજનોએ બે દિવસ પહેલાં જ સગાઈ તોડી નાખી હતી. પરિવારના જણાવ્યા મુજબ, આરોપી સગીરાને અવારનવાર ફોન કરીને પરેશાન કરતો હતો અને સગાઈ તૂટ્યા બાદ ધમકી પણ આપી હતી. ગત રાત્રે લગભગ 10:30 વાગ્યે સગીરા અને આવેઝ કાંકરિયા ગેટ નંબર સાત પાસે મળ્યા હતા. તે સમયે બંને વચ્ચે બોલાચાલી થઈ હોવાનું જણાવાય છે.


હત્યા બાદ આરોપી પોલીસ સ્ટેશનમાં સરેન્ડર

પોલીસના જણાવ્યા અનુસાર, આવેઝને સગીરા પર શંકા હતી, જેને કારણે ગુસ્સે ભરાઈ તેણે પથ્થર વડે હુમલો કર્યો હતો. હુમલો એટલો ક્રૂર હતો કે સગીરાનું મોઢું ગંભીર રીતે છૂંદાઈ ગયું હતું. બનાવ બાદ આરોપીએ સગીરાના પિતાને ફોન કરીને દીકરીની હત્યા કરી હોવાની જાણ કરી અને પોતે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થવા જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું.


મૃતકના પરિવારજનો આ બનાવથી શોકમાં ગરકાવ

મણિનગર પોલીસને ઘટનાની જાણ થતાં જ ડીસીપી ભગીરથ ગઢવી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળને કોર્ડન કરી પુરાવા એકત્રિત કર્યા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ મામલે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને હત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકના પરિવારજનો આ બનાવથી શોકમાં ગરકાવ થઈ ગયા છે. પિતાએ જણાવ્યું હતું કે સગાઈ તોડવાના રોષે તેની દીકરીની હત્યા કરવામાં આવી છે. પરિવારે આરોપીને કડકમાં કડક સજા, ફાંસી સુધીની સજા આપવાની માંગ કરી છે. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈને ચકચાર મચી ગઈ છે અને નાગરિકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News