રાજકોટમાં કટારીયા ચોકડી પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતી ૨૪ વર્ષીય યુવતીએ ગઇકાલે બપોરે બોય ફ્રેન્ડ સાથે ફોનમાં વાત કર્યાં બાદ પાંચમાં માળેથી છલાંગ લતાવતા યુવતીનું મોત થયું હતું. પુરુષ મિત્રના લગ્ન થવાના હોવાથી નીરાસામાં આ પગલું ભરી લીધુ હોવાની શંકા સેવાઇ રહી છે. પરંતુ યુવતીના આપઘાતનું સચોટ કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.
જાણવા મળતી વિગતો મુજબ, પલક નિલેશભાઈ ઝાલા (ઉં.વ. 24, રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર, કટારિયા ચોકડી પાસે રાજકોટ) ગઈકાલે બપોરે 3 વાગ્યાં આસપાસ પોતે ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર ખાતે પોતાના ઘરે પાંચમા માળે હતી ત્યારે ત્યાંથી પડતું મુકતા ગંભીર ઇજા થઈ હતી. તેને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. પણ સારવારમાં તેનું મોત નીપજ્યું હતું. રાજકોટ તાલુકા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ, પલક બપોરે ઘરે હતી. માતાને કહ્યું કે, હું તડકો ખાવા અગાશી પર જાવ છું. પછી તેણે પોતાના બોય ફ્રેન્ડ સાથે ફોન પર વાત કરી હતી અને પછી પગલું ભર્યું હતું. મૃતક પ્રાઈવેટ નોકરી કરતી હતી. નોકરીના સ્થળે કામ કરતો યુવક તેનો બોયફ્રેન્ડ હતો. આ યુવકના તાજેતરમાં જ લગ્ન થવાના છે. જેથી આ પગલું ભર્યાંની શંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક પલક બે બહેનમાં મોટી હતી. પિતા હયાત નથી. પ્રાઈવેટ નોકરી કરી પરીવારને આર્થીક મદદ કરતી હતી. તેના મોતથી પરિવારમાં શોક છવાયો છે.