અરવલ્લી સાસરે રહેલી રાજકોટની યુવતીએ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, પિતિને અન્ય સ્ત્રી સાથે કઢંગી હાલતમાં રંગે હાથ પકડી પાડતા તેણીને માર મારવામાં આવ્યો હતો અને કાઢી મુકી હતી. આ અંગે યુવતીએ સાસરિયાઓને વાત કરી હતી. પરંતુ સાથ આપવાને બદલે પુત્રનો સાથ આપ્યો હતો.
યુવતીના 2014માં અરવલ્લી લગ્ન થયા હતા
આ અંગેની વિગતો મુજબ, હાલ રાજકોટ માવતરના ઘરે રહેતી 35 વર્ષીય યુવતીએ મહિલા પોલીસ મથકમાં પતિ સદ્દામ, સસરા ઇબ્રાહીમ, સાસુ નસીમ અને ફઈજી શઈદુ કારવા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું, વર્ષ 2014માં અરવલ્લીના મેઘરજ ગામે રહેતા સદ્દામ સાથે લગ્ન થયા હતા.
એક વર્ષ સુધી સંસાર વ્યવસ્થિત રીતે ચાલ્યો
લગ્નના એક વર્ષ સુધી સંસાર વ્યવસ્થિત રીતે ચાલ્યો હતો. જે બાદ શહેનાઝબેનને તેના સાસુ-સસરા ઘરકામ બાબતે મેણાંટોણાં મારીને ત્રાસ આપતા હતા. પાંચ વર્ષ સુધી સંયુક્ત પરિવારમાં તેઓ રહ્યા હતા દરમિયાન પતિ સદ્દામને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. જેનો વિરોધ કરતા સાસરિયાં અને પતિ મારકૂટ કરતા હતા. રાજકોટ રહેતા ફઇજી સાસુ પણ અવારનવાર રોકાવા આવીને સદ્દામને પત્ની વિરુદ્ધ ચડામણી કરતા હતા. જોકે ઘર સંસાર ચલાવવો હોય જેથી શહેનાઝબેન બધું સહન કરતા હતા.
સદામને અન્ય સ્ત્રી સાથે કઢંગી હાલતમાં રંગે હાથ પકડ્યો
આઠ મહિના પહેલાં સદામને અન્ય સ્ત્રી સાથે કઢંગી હાલતમાં રંગે હાથ પકડી લેતા તેણે યુવતીને માર માર્યો હતો. આ અંગે સાસરિયાંને વાત કરતાં તેઓએ પણ પુત્રનો સાથ આપ્યો હતો. જે બાદ બે મહિના સુધી બાળકો સાથે પરિણીતા એકલી રહી પણ પતિ ઘરે ન આવતા તે રાજકોટ માવતરના ઘરે આવી હતી.