અમરેલી બાદ હવે જૂનાગઢ જિલ્લામાં પણ આદમખોર દીપડાનો આતંક સામે આવ્યો છે, જેના કારણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે દિવાળીની પવિત્ર રાત્રે દીપડાએ કરેલા હુમલામાં ૮ વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું છે. દાત્રાણા ગામની સીમમાં આવેલા એક ખેતરના મકાન પાસે ૮ વર્ષનો દિવરાજ નામનો માસૂમ બાળક રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક ત્યાં ધસી આવેલા દીપડાએ બાળક પર હુમલો કરી દીધો હતો અને તેને ઊંચકીને ભાગ્યો હતો.
બાળક પર દીપડાના હુમલાની આ ભયાનક ઘટના બનતા જ તેના પિતા બાળકને બચાવવા માટે તાત્કાલિક તેની પાછળ દોડ્યા હતા. જોકે, કાળમુખા દીપડાના પંજામાંથી તેઓ બાળકને બચાવી શક્યા ન હતા. દીપડો બાળકને લઈને ઘટનાસ્થળથી આશરે ૧૦૦ ફૂટ દૂર આવેલા એક ખાડામાં જઈને બેસી ગયો હતો. દીપડાના હુમલાને કારણે બાળકના ગળાના ભાગે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી, જેના લીધે માસૂમ દિવરાજનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ દુઃખદ અને હૃદયદ્રાવક ઘટનાને કારણે દિવાળીના તહેવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી અને મૃતકના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.
માસૂમ બાળકને ફાડી ખાધા બાદ ત્યાંથી નાસી છૂટવાનો પ્રયાસ કરી રહેલા આદમખોર દીપડાનો આતંક એટલેથી અટક્યો નહોતો. ભાગી રહેલો આ દીપડો અચાનક રસ્તા પરથી પસાર થઈ રહેલા એક બાઈક સાથે અથડાઈ ગયો હતો, જેના કારણે બાઈક પર સવાર દંપતી પણ અકસ્માતનો ભોગ બન્યું હતું. આ અકસ્માતમાં બાઈક પર સવાર પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને કારણે ગ્રામજનોમાં વધુ રોષ ફેલાયો હતો.
આ ગંભીર બનાવની જાણ થતાં જ વન વિભાગની ટીમ તુરંત હરકતમાં આવી ગઈ છે. વન વિભાગ દ્વારા આદમખોર દીપડાને વહેલી તકે ઝડપી પાડવા માટે દાત્રાણાની સીમમાં ૪ થી ૫ જેટલા પાંજરાઓ ગોઠવવામાં આવ્યા છે. અવારનવાર બનતી આવી ઘાતકી ઘટનાઓ અને વન્ય પ્રાણીઓના વધતા જોખમને કારણે હાલ સ્થાનિક ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, તેમજ વન વિભાગની કામગીરી સામે પણ લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.