રાજકોટ શહેરના પુષ્કરધામ રોડ પર ચા લઇ ટુવ્હીલર પર જઈ રહેલી યુવતીને એક બાઇક ચાલકે પીછો કરી તેને ફ્રેન્ડશીપ કરવાનું કહેતાં તેણીએ પોતે તેને ઓળખતી ન હોઇ ના પાડતાં આ શખસે આટલેથી અટકવાના બદલે જાહેરમાં બીભત્સ ગાળો દેતાં તે ત્યાંથી નીકળી ગઈ હતી. આ અંગે યુવતીની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે આ છેલબટાઉ શખસ સામે ગુનો નોંધી તેને શોધી કાઢવા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
યુવતીએ યુનિ. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
સતામણીના આ બનાવ અંગે ૧૯ વર્ષીય યુવતીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બ્લુ રંગનો શર્ટ પહેરેલા એક શખસનું નામ આપ્યું છે. ભોગ બનનાર યુવતિ નોકરી કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્યુ છે કે, તે પરિવાર સાથે રહે છે. રવિવારે સાંજે તે ઘરે હતી. ત્યારે માતાને અને તેણીને ચા પીવી હોઇ જેથી માતાએ ચા લઇ આવવાનું કહેતાં તેણી બાઈક લઇ પુષ્કરધામના ગેઈટની સામે જાફર ચાની દૂકાને ચા લેવા ગઇ હતી. ત્યાંથી ચા પાર્સલ કરીને ઘર તરફ જતી હતી.
જાહેરમાં બિભત્સ ગાળો દેવા માંડ્યો
આ વખતે તેણીના ટુ-વ્હીલરની પાછળ પાછળ એક બ્લુ રંગનો શર્ટ પહેરેલો શખસ તેના બાઈક પર ઘસી આવ્યો હતો અને તેણી પાસે આવી ખરાબ ઇશારા કરી ખરાબ ભાષામાં ફ્રેન્ડશીપ કરવા કહ્યું હતું. પરંતુ તેને ઓળખતી ન હોય અને ક્યારેય તેને જોયો ન હોય જેથી ફ્રેન્ડશીપ કરવાની ના પાડતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને જાહેરમાં બિભત્સ ગાળો દેવા માંડી તેની સાથે ગેરવર્તન કરવા માંડ્યો હતો. જેથી યુવતી ગભરાઇ જતાં ત્યાંથી ટુ-વ્હીલર લઇ નીકળી ગઇ હતી અને ઘરે જઈ બનાવની જાણ પરીવારને કરી ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એન.પટેલની રાહબરીમાં એએસઆઈ જે.એલ.બાળાએ ગુનો દાખલ કરી આરોપીને શોધી કાઢવા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
બીઆરટીએસ પાસે જાહેરમાં બાળા સાથે અડપલાં કરનાર વિકૃત વૃધ્ધ જેલહવાલે
શહેરના ૧૫૦ ફૂટ રીંગરોડ પર મવડી ચોકડી પાસે બીઆરટીએ ટ્રેક નજીક વૃધ્ધ ૧૦ વર્ષની બાળા સાથે જાહેરમાં બિભત્સ ચાળા કરતો હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઈ અને ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી વિકૃત વૃધ્ધ વિરમ ભગા બરાડીયાને શોધી કાઢી ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પોકસો સહિતની કલમો હેઠળ આ બનાવમાં કાર્યવાહી કરવામાં આવી છે. વૃધ્ધના પૌત્રને રમાડવા આવતી બાળા સાથે વૃધ્ધે આ પ્રકારની હરકત કરતા તેના ફીટકારની લાગણી વરસી જવા પામી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કર્યા બાદ જેલહવાલે કર્યો હતો.