શહેરમાં દૂષ્કર્મની એક હીન ઘટના સામે આવી છે. સાસરિયાના ત્રાસથી કંટાળેલી પરિણીતાને મદદ કરવાના બહાને કુટુંબી દિયરે જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી મહિલાની મરજી વિરૂધ્ધ અવારનવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા. બાદમાં પરિણીતાએ બાળકીને જન્મ આપ્યા બાદ યુવકે તેને સ્વીકારવાનો ઈનકાર કરી દેતા ભોગ બનનાર મહિલાએ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
પીડિતાએ ફરિયાદમાં ફરિયાદમાં જણાવ્યું છે કે, લગ્નના એકાદ વર્ષ બાદ જ સાસરીયા પક્ષ તરફથી નાની-નાની વાતોમાં મેણા-ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું, જેના કારણે મહિલા ભારે માનસિક તણાવમાં રહેતી હતી. આ દરમિયાન સગામાં જ થતો યુવાન અવારનવાર ઘરે આવતો હોવાથી તેની સાથે પરિચય થયો હતો. તેણીને રડતી જોઈ આ શખસે તેને પરેશાનીનું કારણ પુછતા તેણીએ પોતાની આપવીતી જણાવી હતી. આ વખતે તેણે ભાભી હું તમારી સાથે જ છું, તમે ચિંતા ન કરો તેમ કહી મોબાઈલ નંબરની આપ લે કરી હતી.
ત્યારબાદ બંને વચ્ચે વ્હોટ્સેઅપમાં વાતચીત ચાલુ થઈ હતી. એક દિવસ તેણે કહ્યું હતું કે, તમે તમારા પતિને છોડી કેમ નથી દેતા? આથી તેણીએ હું એને છોડીને ક્યાં જાઉં? એવો સવાલ કરતાં આ શખસે કહ્યું હતું કે, તમે મને ખુબ ગમો છો, જો તમારા પતિને છોડી દેશો તો હું તમારી સાથે લગ્ન કરીશ. પરિણીતા સાસરીયાના ત્રાસથી કંટાળી ગઈ હોઈ કરણે વિશ્વાસ આપ્યો હોઇ જેથી તેણીએ પણ હા પાડી હતી અને જો તે લગ્ન કરવા તૈયાર હોય તો પોતે પણ તેની સાથે લગ્ન કરવા તૈયાર છે તેમ કહ્યું હતું.
આ પછી આજથી અંદાજિત નવેક મહિના પહેલાં જ્યારે મહિલા ઘરે એકલી હતી ત્યારે આરોપીએ ઘરમાં આવી શરીર સંબંધ બાંધવાની વાત કરતાં પરિણીતાએ લગ્ન પછી જ બધુ થઇ શકે તેમ કહેતાં તેણે તું કેમ ચિંતા કરે છે, હું તારી સાથે જ લગ્ન કરાવનો છું, મેં મારા ઘરે પણ વાત કરી લીધી છે તેમ કહી બળજબરીથી શરીર સંબંધ બાંધી લીધી હતો. તે લગ્ન કરવાનો છે તેવો વિશ્વાસ હોઈ તેણે બળજબરી આચરી લીધાની વાત કોઇને કરી નહોતી. આ પછી તે અવાર-નવાર આ રીતે બળજબરીથી સંબંધ બાંધતો હતો અને લગ્ન કરવાનો વિશ્વાસ આપતો હતો. આ દરમિયાન તેણીના પતિ સાથે પણ શારીરિક સંબંધો હતાં.
દરમિયાન નવેક મહિના પહેલા તેણી ગર્ભવતી થતાં તેણે તેને વાત કરી હતી કે મારા પેટમાં બાળક છે. ત્યારે તેણે હવે આપણે ટુંક સમયમાં ભાગીને લગ્ન કરી લઇશું તેમ કહ્યું હતું. આ પછી ત્રણ મહિના બાદ ભાગીને લગ્ન કરવાની વાત કરતાં પરિણીતાએ પુછેલુ કે તું મને છોડી તો નહિ દે ને? ત્યારે તેણે આજીવન સાથે રહેશે તેવો વિશ્વાસ આપેલો અને અમદાવાદ ભગાડીને લઈ ગયો હતો. જ્યાં ઈસ્કોન ચોકડીએ હોટેલમાં એક દિવસ રોકાયા હતા. ત્યારે ત્યાં પણ કરણે શરીર સંબંધ બાંધી લીધો હતો. બે દિવસ બાદ સગા સંબંધીઓ શોધીને પરત રાજકોટ લઈ આવ્યા હતાં.
આ પછી પરિણીતાને પતિએ અપનાવવાની ના પાડતાં તેણી માવતરે જતી રહી હતી. આ પછી તેણીએ ફરીથી કુટુંબી દિયરને બોલાવીને લગ્નનું કહેતાં તેણે હવે હું તને લઇ જવા નથી માંગતો તેમ કહી દીધુ હતું. આથી તેને પરિણીતાએ કહ્યું હતું કે તો શા માટે મને લગ્નની વાતો કરી હતી. ત્યારે તેણે કહેલું કે તારા પેટમાં મારું બાળક છે કે નહિ તે કેમ ખબર પડે? હવે મારે તું જોઈતી નથી. તેમ કહી તે જતો રહ્યો હતો. આ પછી સમાધાન માટે જ્ઞાતિના આગેવાનો અને પરિવારે પ્રયાસ કર્યા હતાં. પરંતુ તેણે તેણીને સ્વીકારવાની ના પાડી દીધી હતી. દરમિયાન પાંચ દિવસ પહેલા જ આ પરિણીતાએ દિકરીને જન્મ આપ્યો હતો. તેણીના ભવિષ્યને ધ્યાને રાખી અંતે પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પીઆઈ જી. આર. ચૌહાણએ ગુનો દાખલ કર્યો હતો. પીએસઆઈ એસ. એન. શ્યોરાએ વિશેષ તપાસ હાથ ધરી છે.