BREAKING NEWS

મુંદ્રામાં ટોળાનો પોલીસ પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ કરી આગ ચાંપી દીધી, નવ પોલીસકર્મીને નાની-મોટી ઇજા

  • February 19, 2026 09:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કચ્છ જિલ્લામાં મુંદ્રાના કાંડાગરા ગામ નજીક એમપીએલ લેબર કોલોની ખાતે ગત રાત્રે પોલીસ પર પથ્થરમારો, સરકારી અને ખાનગી વાહનોમાં તોડફોડ તેમજ આગજનીની ગંભીર ઘટના સામે આવી હતી. સમગ્ર બનાવને લઈ પોલીસે 300 જેટલા લોકો સામે હત્યાના પ્રયાસ સહિતના ગુનાઓ દાખલ કર્યો હતો અને અત્યાર સુધીમાં 33 શખસની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


મળતી માહિતી મુજબ એમપીએલ લેબર કોલોનીમાં એક શ્રમિક દ્વારા આપઘાત કરવાના બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની પ્રક્રિયા શરૂ કરતી વખતે પરિસ્થિતિ તંગ બની હતી. કેટલાક શ્રમિકોએ આ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો, જેના કારણે મામલો બિચક્યો અને ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો.


ઘટના સમયે હાજર પોલીસકર્મીઓ પર અચાનક થયેલા હુમલાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસની જીપ સહિત સરકારી વાહનોમાં ધોકા અને પથ્થરોથી તોડફોડ કરવામાં આવી હતી. ટોળાએ બે ખાનગી કારને પણ નિશાન બનાવી ભારે નુકસાન પહોંચાડ્યું હતું અને બાદમાં તે વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આગજનીની ઘટના અને પથ્થરમારાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.


પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈ અન્ય પોલીસ દળને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યું હતું. વધારાની પોલીસ પહોંચી જતા પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ આપઘાત કરનાર વ્યક્તિના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ અથડામણમાં કુલ નવ પોલીસકર્મીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


સમગ્ર બનાવને ગંભીરતાથી લેતા પોલીસે ઘટનાસ્થળે હાજર લોકોના ફોટા અને વીડિયો ફૂટેજના આધારે પ્રાથમિક તબક્કે સાત શખસોની ઓળખ કરી નામજોગ ફરિયાદ નોંધાવી હતી. બાદમાં તપાસ દરમિયાન વધુ લોકોના નામ સામે આવતા તેમની ધરપકડ કરવામાં આવી રહી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કાયદો હાથમાં લેનાર કોઈને છોડવામાં નહીં આવે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ કોલોની વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application