ગુજરાતના સરહદી વિસ્તાર એવા ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દંપતી વચ્ચે ચાલી રહેલા ગૃહકલેશના કારણે પત્નીએ પોતાના જ ત્રણ માસૂમ, ફૂલ જેવા બાળકોને ઝેર પીડવાડી પોતે પણ પી લીધું હતું. જેમાં ત્રણેય માસુમ બાળકોના મોત નીપજ્યા હતા જ્યારે માતાની હાલત ગંભીર છે. આ ઘટનાની કરુણતાનો એ છે કે મૃતક બાળકોમાં બે જોડિયા શિશુઓ પણ સામેલ છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાની જાણ થતાં જ ભીલાડ પોલીસ સ્ટેશનનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, ગઈકાલે રાત્રે બનેલી આ કાળજું કંપાવતી ઘટનામાં જે ત્રણ માસૂમ બાળકોના કરુણ મોત થયા હતા, તેમાં માત્ર નવ મહિનાના જુડવા દીકરાઓ આર્યન અને વિહાન તેમજ ત્રણ વર્ષની માસૂમ દીકરી નાયરાનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસ મુજબ, ૨૨ વર્ષીય માતા નિશાબેન સંજયભાઈ હળપતિએ કોઈ અગમ્ય કારણોસર કે ભારે આવેશમાં આવીને પોતાના આ ત્રણેય સંતાનોને કોઈ ઝેરી પદાર્થ પીવડાવી દીધો હતો. બાળકોને ઝેર આપ્યા બાદ માતાએ પોતે પણ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ માતા નિશાબેનની તબિયત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે, જેથી તેને તાત્કાલિક વધુ સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
સ્થાનિક સૂત્રો અને પરિવારજનો પાસેથી મળતી માહિતી અનુસાર, બાળકોના 25 વર્ષીય પિતા સંજયભાઈ વસંતભાઈ હળપતિ વહાણમાં નોકરી કરે છે. તેઓ લાંબો સમય દરિયાઈ સફર ખેડીને થોડા દિવસો પહેલા જ પોતાના ઘરે પરત ફર્યા હતા. ઘરે આવ્યા બાદ ગઈકાલે સાંજના સમયે કોઈ અગમ્ય કારણોસર પતિ અને પત્ની વચ્ચે ભારે બોલાચાલી અને ઉગ્ર ઝઘડો થયો હતો. આ વિવાદના આઘાતમાં ગુસ્સામાં આવીને પત્ની નિશાબેને મોડી રાત્રિના સમયે આ ખતરનાક પગલું ભર્યું હોવાનું સગા-સંબંધીઓ જણાવી રહ્યા છે. મૃતક બાળકોની ફઈએ પણ મીડિયા સમક્ષ આશંકા વ્યક્ત કરી છે કે લાંબા સમયથી ચાલતા કલહ અને ગઈકાલના ઝઘડાના કારણે જ માતાએ આ પગલું ભરીને માસૂમોને મોતને ઘાટ ઉતાર્યા છે.
ઘટનાની ગંભીરતાને જોતાં ભીલાડ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આસપાસના પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. ઘરના સભ્યો, પરિવારજનો અને ગ્રામજનોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા પણ તેજ ગતિએ હાથ ધરવામાં આવી છે. જો કે, બાળકોને કયો ચોક્કસ ઝેરી પદાર્થ આપવામાં આવ્યો હતો કે પછી અન્ય કોઈ રીતે શ્વાસ રૂંધીને તેમની હત્યા કરાઈ છે તે અંગે પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. પોલીસ પ્રશાસનનું કહેવું છે કે સત્ય જાણવા માટે એફએસએલની ટીમની મદદ લેવાઈ રહી છે.
ભીલાડ પોલીસે ત્રણેય મૃતક બાળકોના મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ બાળકોના મોતના ચોક્કસ કારણો અને સમયની સાચી વિગતો જાણી શકાશે. હાલમાં હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી માતા ભાનમાં આવ્યા બાદ તેની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે તેમ છે. એક જ પરિવારના ત્રણ-ત્રણ માસૂમ બાળકોના આ રીતે કરુણ મોત થતાં સમગ્ર પાલી કરમબેલી ગામ સહિત ઉમરગામ પંથકમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.