BREAKING NEWS

જેતપુરમાં ભત્રીજા સાથેના સંબંધમાં સગી ફઈની હત્યા, લાશ નવાગઢ રેલવે સ્ટેશન પાસે ફેંકી દીધી

  • November 14, 2026 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર શહેરના નવાગઢ રેલવે સ્ટેશન નજીકથી મળી આવેલા અજાણી મહિલાના મૃતદેહના બનાવનો પોલીસે ભેદ ઉકેલી લીધો છે. મૃતક મહિલાની ઓળખ હકુબેન તરીકે થયા બાદ તપાસમાં સગા ભત્રીજા સાથેના સંબંધોની અદાવતમાં તેની બે સગી ભત્રીજીઓ, એક ભત્રીજીનો પતિ અને અન્ય એક શખ્સે પૂર્વઆયોજિત કાવતરું રચી ગળે ટૂંપો આપી હત્યા કરી હોવાનું ખુલ્યું છે. હત્યા કર્યા બાદ મૃતદેહ ઓટોરિક્ષામાં નાખી નવાગઢ રેલવે સ્ટેશન પાસે અવાવરું સ્થળે ફેંકી દેવામાં આવ્યો હતો.


પ્રાપ્ત વિગતો મુજબ, ભાઈબીજના દિવસે જેતપુર સિટી પોલીસને નવાગઢ રેલવે સ્ટેશન નજીક અજાણી મહિલાનો મૃતદેહ પડ્યો હોવાનો કોલ મળ્યો હતો. પોલીસે મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડી તપાસ કરતાં મહિલાના માથાના ભાગે ઇજાનાં નિશાન જોવા મળ્યાં હતાં. શરૂઆતમાં કુદરતી મૃત્યુની શક્યતા જણાતી હતી, પરંતુ બનાવ શંકાસ્પદ લાગતાં તબીબે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની ભલામણ કરી હતી. રાજકોટ મેડિકલ કોલેજ ખાતે થયેલા ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં મહિલાનું ગળે ટૂંપો આપવાથી શ્વાસ રૂંધાવાના કારણે મોત નીપજ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું.


ત્યારબાદ પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ હકુબેન તરીકે થઈ હતી. તેમના ભાઈ અરવિંદ કાળુભાઈ વાઘેલાની પૂછપરછમાં પારિવારિક વિગતો બહાર આવી હતી. હકુબેનના લગ્ન આશરે 25 વર્ષ પહેલાં પાલિતાણાના હાથિયાધાર ગામના ભાવેશભાઈ પરમાર સાથે થયા હતા. જોકે, તેઓ લાંબા સમયથી પરિવારથી અલગ રહી રખડતું-ભટકતું જીવન જીવતાં હતાં.


પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ, હકુબેનને તેમના સગા ભત્રીજા રવિ સાથે સંબંધો હતા. આ બાબતે રવિની બહેનો અને હકુબેનની સગી ભત્રીજીઓ રાધાબેન તથા મધુબેને અગાઉ હકુબેન સાથે ઝઘડો કર્યો હતો. આ અદાવત રાખી રાધાબેન સૈયદ શેખ, મધુબેન, મધુબેનનો પતિ લક્ષ્મણ ઉર્ફે લખો પીરનાથ બાવાજી અને ભુપતભાઈ પોપટભાઈ વાઘેલાએ ભેગા મળી હત્યાનું કાવતરું ઘડ્યું હતું.


ચારેયએ હકુબેનની ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ મૃતદેહ ઓટોરિક્ષામાં લઈ જઈ નવાગઢ રેલવે સ્ટેશન નજીક ફેંકી દીધો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 103(1), 61(2) અને 3(5) હેઠળ ગુનો નોંધી તેમને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application