જામનગરની ભાગોળે બાળાના અપહરણમાં આરોપી રીમાન્ડ પર
મોબાઇલ, બે વાહનો કબ્જે કર્યા: તપાસનો ધમધમાટ
જામનગરની ભાગોળે આવેલા ગામમાંથી એક ૧૨ વર્ષની બાળાનું અપહરણ કરી ગયાની એક શખ્સ સામે ફરીયાદ નોંધાવવામાં આવી હતી આ બાબતના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા, દરમ્યાનમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આદરીને ગણતરીના દિવસોમાં આરોપીને પકડી લીધો હતો અને બાળાને શોધી કાઢી હતી દરમ્યાનમાં આરોપીની વિધિવત ધરપકડ કરીને પોલીસ દ્વારા કલમોનો ઉમેરો કરી રીમાન્ડ પર લીધો છે.
જામનગર નજીક રહેતી ૧૨ વર્ષની બાળાને જેસીબી ચલાવતો ઢગો લાલચ આપીને ભગાડી ગયો છે એ અંગેની વિગતો બહાર આવતા બેડી મરીન પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરીયાદ નોંધાવવામાં આવી હતી, બાળાના અપહરણના પગલે રોષ ફેલાયો હતો અને પિડીતના સમર્થનમાં સમાજ આગળ આવીને ઉચ્ચ પોલીસ અધિકારીને રજુઆત કરી હતી.
બનાવની ગંભીરતા ઘ્યાને લઇને એસપીના માર્ગદર્શન હેઠળ એલસીબી સહિતની ટીમ દ્વારા જીણવટભરી તપાસ આદરી હતી, આરોપી કાના કારા ગોરાણીયા (ઉ.વ.૩૬) રહે. નગડીયા, તા. કલ્યાણપુર)ને પોરબંદર વિસ્તારમાંથી દબોચી લીધો હતો જેમાં રાણાવાવ પોલીસની મદદ મળી હતી, બાળાને શોધી કાઢી હતી. દરમ્યાન ભોગ બનનાર બાળકીના તબીબી પરીક્ષણની કાર્યવાહી હાથ ધરી અને આગળની તપાસ તેમજ પોકસો અને એટ્રોસીટી સહિતની કલમો ઉમેરવામાં આવી હતી, આરોપી નરાધમ કાના ગોરાણીયાની વિધિવત ધરપકડ કરી અને વધુ પુછપરછ કરવા બે દિવસના રીમાન્ડ પર લઇ ગુનામાં ઉપયોગ કરેલ વાહનો અને મોબાઇલ કબ્જે કરાયો છે.