દેવભુમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો માટે ખરીફ કઠોળ પાકોમાં રોગ-જીવાત વ્યવસ્થાપન હેતુ વાવણી વખતે લેવાના પગલાં જાહેર કરાયા

  • June 17, 2025 01:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભુમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો માટે ખરીફ કઠોળ પાકોમાં રોગ-જીવાત વ્યવસ્થાપન હેતુ વાવણી વખતે લેવાના પગલાં જાહેર કરાયા


 
દેવભૂમિ દ્વારકા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખરીફ કઠોળ (મગ, મઠ, અડદ, ચોળા) પાકોમાં રોગ-જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/ વાવણી સમયે લેવાના પગલાં જાહેર કરાયા છે, જે મુજબ રોગ પ્રતિકારક જાતો જેવી કે મગની ગુજરાત આણંદ મગ-૫, ગુજરાત આણંદ મગ-૬, ગુજરાત આણંદ મગ-૭ તેમજ અડદની ટી-૯ ની વાવણી કરવી,  રોગમુક્ત છોડ પરથી એકઠા કરેલ દાણાનો બિયારણ તરીકે ઉપયોગ કરવો. વિષાણુંથી થતી પાનની કરચલી રોગના નિયંત્રણ માટે બિયારણને વાવતા પહેલાં ૫૫ સેં. ગરમ પાણીમાં ૩૦ મીનીટ રાખવા ત્યારબાદ ઉપયોગમાં લેવા. મગ, મઠ, અડદ જેવાં પાકોમાં મેક્રોફેમિના બ્લાઇટ રોગના નિયંત્રણ માટે ધાન્ય પાકોની સાથે ફેરબદલી કરવી.

પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોએ બીજામૃતનો પટ આપી બીજને છાંયડામાં સૂકવી વાવેતર કરવું. વાવેતર સમયે ૧૦૦ કિલો છાણિયું ખાતર અને ૧૦૦ કિલો ઘન જીવામૃત ભેળવીને ૧ એકર જમીનમાં નાખવું.

બીજને વાવતા પહેલાં થાયરમ, કાર્બેન્ડેઝીમ અથવા મેન્કોઝેબ જેવી ફૂગનાશકોનો ૨ થી ૩ ગ્રામ/કિલો બીજ દીઠ પટ આપીને વાવણી કરવી. જીવાણુંથી થતા પાનના ટપકાનો રોગના નિયંત્રણ માટે બીજને સ્ટ્રેપ્ટોસાયક્લીન ૨૫૦ પીપીએમ દ્રાવણમાં ૧૫ મીનીટ બોળી રાખીને ત્યારબાદ વાવણી કરવી.

મોલો, સફેદ માખી, તડતડીયાં અને થ્રિપ્સના નિયંત્રણ માટે બીજને જંતુનાશક દવાઓ જેવી કે, ઇમિડાક્લોપ્રિડ ૭૦ ડબ્લ્યુએસ ૭.૫ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રિડ ૬૦૦ એફએસ ૧૦ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ ૭૦ ડબ્લ્યુએસ ૨.૮ ગ્રામ અથવા થાયામેથોક્ઝામ ૩૫ એફએસ ૧૦ મિ.લી પ્રતિ કિલો પ્રમાણે બીજ માવજત આપી વાવેતર કરવું. થડમાખી જીવાતનો વધુ ઉપદ્રવ રહેતો હોય તેવા વિસ્તારોમાં નિયંત્રણ માટે કાર્બોફ્યુરાન ૩ સીજી ૩૦ કિ.ગ્રા./ હે પ્રમાણે જમીનમાં આપવું.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી / ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરવા દેવભુમિ દ્વારકા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદી જણાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News