જામનગરમાં નીલકમલ સોસાયટી વિસ્તારમાં રહેતા શખ્સો નશીલા પદાર્થ ગાંંજાના વેચાણ કરે છે અને પાલનપુરના રીક્ષાવાળા પાસેથી પદાર્થ લીધો છે એવી બાતમીના આધારે એસઓજીએ દરોડો પાડી પોણા ત્રણ કીલો ગાંજા સાથે એકને પકડી લીધો હતો, કુલ ૩ સામે એનડીપીએસ હેઠળ ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરની એસ.ઓ.જીના પી.આઈ. બી.એન. ચૌધરી, પીએસઆઇ એસ.પી. ગોહીલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમ્યાન સ્ટાફના વિજયભાઇ, જયેશભાઇ અને ધર્મેન્દ્ર ભાઇનેચોક્કસ બાતમી મળી હતી કે જામનગરમાં નિલકમલ સોસાયટી વિસ્તારમાં જાગૃતીનગરમાં રહેતા હસમુખ પરસોત્તમભાઈ પરમાર અને જાગૃતીનગરના મનસુખ ગોપાલભાઈ પરમાર બંને દ્વારા ગાંજાના વેચાણનું નેટવર્ક ચલાવાઇ રહ્યું છે, અને પાલનપુરથી ખાનગી વાહન મારફતે હસમુખ પરમાર ગાંજો લઈને જામનગરમાં પ્રવેશી રહ્યો છે.
જે બાતમીના આધારે ગઈકાલે મોડી રાત્રે એસ.ઓ.જી. શાખાની ટુકડીએ વોચ ગોઠવી હતી. જે દરમિયાન ગુલાબ નગર મેઇન રોડ પર એક ખાનગી વાહનમાંથી ઉતરેલા હસમુખ પરસોત્તમભાઈ પરમારને પોલીસે અટકાયતમાં લઈ લીધો હતો, અને તેના કબજામાં રહેલો થેલો, કે જે ચેક કરતાં તેની અંદરથી બે કિલો અને ૯૮૮ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસ ટિમ દ્વારા ઉપરોક્ત આરોપીની અટક કરી લઈ તેની સામે એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે, અને ૨૯,૮૮૦ની કિંમત નો ગાંજો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૩૪,૮૮૦ની માલમતા કબજે કરી લેવામાં આવી છે. જ્યારે ઉપરોક્ત નશીલા પદાર્થનો જથ્થો મંગાવનાર મનસુખ પરમાર અને સીએનજી રીક્ષાચાલક પાલનપુરના શખ્સને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.